મોરબીમાં બિલાડીના ટોપની જેમ ખડકાયેલા ગેરકાયદે હોર્ડિંગ્સ મુદ્દે કોંગ્રેસની રજુઆત

- text


નગરપાલિકા તંત્રએ આવા ગેરકાયદે હોર્ડિંગ્સ વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ કા તો ભાંડું વસુલવું જોઈએ તેવી માંગ કરતા કોંગ્રેસ અગ્રણી

મોરબી : મોરબી શહેરમાં બિલાડીના ટોપની જેમ પાલિકાની જગ્યામાં ગેરકાયદ હોર્ડિંગ્સનો જમાવડો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ આક્ષેપ કરી નગરપાલિકા તંત્રએ આવા ગેરકાયદે હોર્ડિંગ્સ વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ કા તો ભાંડું વસુલવું જોઈએ તેવી માંગ કરી છે અને સાથે – સાથે મોરબી શહેરની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકામાં વહીવટના નામે મીંડું હોવાનો પણ આરોપ મૂક્યો છે.

મોરબીના કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, મોરબી શહેર આર્થિક રીતે સધ્ધર શહેર છે. તેના કારણે મોરબી શહેરમાં ઠેર ઠેર પોતાના ધંધાની જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે પરંતુ આ હોર્ડિંગ્સ મોરબી નગરપાલિકાની જગ્યા ઉપર લગાવવામાં આવેલ છે ત્યારે શુ આ હોર્ડિંગ્સનુ ભાડું મોરબી નગરપાલિકા ને મળે છે ખરૂ ? પાલિકાને આવક નામે ઝીરો છે. કારણ કે, જ્યાં જ્યાં હોર્ડિંગ લગાવવામાં આવેલ છે તે ભાજપના કાર્યકરો દ્વારા ધંધો કરવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા પ્રજા માં ચાલે છે. જો આ ચર્ચા સાચી હોય તો પાલિકા આવા ગેરકાયદે લાગેલા હોર્ડિંગ્સ શા માટે લાગેલા રાખે છે ? અને આવા ગેરકાયદે જગ્યા વાપરતા કોન્ટ્રાકટર સામે પગલાં ભરવામાં આવતા નથી ?કે હપ્તા રાજ ચાલે છે ?

- text

વધુમાં કોંગી આગેવાને જણાવ્યું હતું કે, જો નગરપાલિકાએ મોરબી શહેરમાં હોર્ડિંગ્સ લગાવવાની મજૂરી આપેલ હોય તો તેમને કેટલા રૂપિયામાં આ જગ્યાઓ ભાડે આપી અને કોને આપી તે જાહેર કરવું જોઈએ. મોરબી શહેરમાં આડેઘડ હોર્ડિંગ્સ લગવવાના કારણે લોકોને પણ પરેશાની સહન કરવી પડે છે. ત્યારે મોરબી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા આ તપાસ કરી ગેરકાયદે લાગેલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવે અને લાગેલા જાહેરાતના બોર્ડના ભાડાની રકમ વસૂલ કરવી જોઇએ તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ માંગ કરી છે.

- text