મોરબીમાં 40 જર્જરિત બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારાઇ

- text


2 દિવસમાં બાંધકામ દૂર કરવા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અલ્ટીમેટમ અપાયું

મોરબી : મચ્છુ જળ હોનારત અને 2001ના કારમાં ભૂકંપની થપાટ બાદ ખાસ કરીને મોરબીના જુના વિસ્તારોમાં જર્જરિત જોખમી બિલ્ડીંગો ખતરો બની હોય અંતે મોરબી નગરપાલિકા દ્વારા આવી જોખમી ઇમારતો બે દિવસમાં તાત્કાલિક હટાવી લેવા આદેશ કર્યો છે, હાલના તબક્કે જુના મોરબીના અંદાજે 40 બિલ્ડીંગને આવી નોટિસ આપવામાં આવી હોવાનું સતાવાર જાહેર થયું છે.

મોરબી શહેરના દરબારગઢ, ગ્રીનચોક, સાવસર પ્લોટ સહિતના વિસ્તારમાં અનેક જૂની પુરાણી જોખમી બિલ્ડીંગો આવેલી છે, ખાસ કરીને દર વર્ષે ચોમાસુ આવે ત્યારે પાલિકા તંત્ર આવા બિલ્ડીંગોને હટાવવા મામલે કાગળ ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કરે છે ત્યારે આ વર્ષે પણ મોરબી પાલિકના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આવા 40 જોખમી બિલ્ડિંગને તાકીદે હટાવવા નોટિસ ફટકારી છે.

જો કે, મોરબી નગરપાલિકા દ્વારા જે 40 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે તેમાં મોટાભાગના ઇમારત માલિકો મુંબઈ કે અન્ય કોઈ બહારના રાજ્યમાં રહેતા હોવાનું અને આવા બિલ્ડિંગમાં હાલમાં ભાડુઆતો રહેતા હોય આવા જોખમી બિલ્ડીંગ હટવા સામે પ્રશ્નાર્થ ખડા થયા છે, ત્યારે મોરબી નગરપાલિકાએ હાલમાં તો માત્ર નોટિસ આપી કામગીરી કર્યાનો સંતોષ માન્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે.

આટલા વિસ્તારોમાં અપાઈ નોટિસ

મોરબીના દરબારગઢ, ગ્રીન ચોક, નહેરુ ગેટ ચોક , સાવસર પ્લોટ, મહેન્દ્ર પરા, ગેસ્ટ હાઉસ રોડ, શનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારોમાં આવેલ જર્જરિત બિલ્ડિંગોને નોટિસ અપાઈ છે.

તમામ બિલ્ડીંગોને નોટિસ અપાશે : ટાઉન પ્લાનિંગ ઓફિસર

- text

મોરબી નગર પાલિકાના ટાઉન પલનીંગ ઓફિસર મેહુલ પાણખણીયાએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા એક જાહેર નોટિસ ઇસ્યુ કરી લોકોને આવા જર્જરિત બાંધકામો તોડી પાડવા અથવા જર્જરિત ભાગ ઉતારી લેવા તાકીદ કરી હતી. ત્યારબાદ 40 આસામીઓને નોટિસ પાઠવી છે અને ચોમાસા પહેલા જેટલી જર્જરિત બિલ્ડીંગો હશે એ બધાને નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ચીફ ઓફિસરની સૂચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે

- text