બોલો લ્યો, મોબાઇલ પાણીમાં પડી જતા અધિકારીએ ડેમ ખાલી કરાવ્યો

- text


પાણીના બગાડ બદલ છત્તીસગઢના ફૂડ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

મોરબી : પાર્ટી કરી રહેલા એક અધિકારીના એક લાખ રૂપિયાનો મોબાઇલ ડેમના પાણીમાં પડી જતા આખો ડેમ ખાલી કરાવાતા ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું અને મામલો ગરમાતા આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

છત્તીસગઢના કાનકેરમાં એક ફૂડ ઇન્સ્પેક્ટર ખેડૂતોને સિંચાઈ માટેના ડેમ પાસે પાર્ટી કરી રહ્યા હતા. એવામાં તેનો મોબાઇલ ડેમમાં પડી જતા આ અધિકારીએ આખા ડેમનું પાણી ખાલી કરાવી નાખ્યું હતું. પાણીની અછત વચ્ચે આખા ડેમનું પાણી ખાલી કરાવી નાખતા આ અધિકારીના પગલાની ભારે ટીકા થઇ રહી છે. માત્ર એક મોબાઇલ માટે લાખો લિટર પાણીને વેડફી નાખનારા આ અધિકારીની હાલ ભારે ચર્ચા થઇ રહી છે.

છત્તીસગઢ રાજ્યમાં કોયલીબેડા બ્લોકના એક ફૂડ ઓફિસર રવિવારે રજાની મજા માણવા માટે છત્તીસગઢના ખેરકટ્ટા પરલકોટના જળાશયે પહોંચ્યા હતા. જ્યાં અધિકારીનો મોંઘો મોબાઇલ જળાશયના 15 ફૂટ ઉંડા પાણીમાં પડી ગયો હતો. અધિકારીએ મોબાઇલની શોધખોળ માટે પહેલા નજીકના ગામના લોકોની મદદ લીધી તેમ છતા મોબાઇલ ન મળતા બાદમાં ડેમને ખાલી કરાવી નાખ્યો હતો. સરકારી આંકડા મુજબ આ ડેમમાં 41 લાખ લિટર પાણી હતુ જેનાથી અનેક એકર જમીનમાં ખેડૂતોને પાક માટે પાણી મળી રહે તેમ હતું. હવે ડેમ ખાલી થઇ ગયો હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આસપાસ દુષ્કાળની પણ પરિસ્થિતિ છે.

- text

ફૂડ ઇન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસ નામના અધિકારીના આ કૃત્યની સરકારને જાણ થયા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડેમને ખાલી કરાવવા માટે ડીઝલથી ચાલતા મશીન લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલાની જાણકારી કાનકેરના કલેક્ટર પ્રિયંકા શુક્લાને મળ્યા બાદ તેમણે તાત્કાલીક રિપોર્ટ મંગાવ્યો હતો, જેના આધારે અધિકારીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અધિકારીએ ડેમમાં રહેલા 41 લાખ લિટર પાણીને વેડફી નાખવામાં આવ્યું હતું. રાજેશ વિશ્વાસ પાસે સેમસંગનો એસ23 મોબાઇલ હતો. જેની કિંમત આશરે એક લાખ રૂપિયાથી પણ વધુ છે. જોકે જે 41 લાખ લિટર પાણી વેડફી નાખવામાં આવ્યું તેનાથી આસપાસના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text