મોરબી મહાનગર બને તો તમેને કઈ વાંધો ? 30મીએ 10 ગામના સરપંચોને બોલાવાયા 

- text


મોરબીને મહાનગર પાલિકાના દરજ્જા માટે સરકારની પુખ્ત વિચારણા : રવાપર, મહેન્દ્રનગર,શનાળા સહિતના ગામોના સરપંચને કલેકટર કચેરીમાં અભિપ્રાય માટે બોલાવાયા 

મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં સ્ટાફની અછત, ટાંચા સાધનો સામે સતત વધી રહેલી શહેરી વસ્તી વચ્ચે લાંબા સમયથી મોરબીને મહાનગર પાલિકાના દરજ્જા માટે માંગ થઇ રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોરબી સહીત રાજ્યની 22 નગરપાલિકાઓને મહાનગરનો દરજ્જો આપવા પુખ્ત વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.બીજી તરફ મોરબીને મહાનગર બનાવવા માટે આજુબાજુના 10 ગામોના સરપંચને મોરબી કલેકટર કચેરીમાં અભિપ્રાય માટે પણ બોલાવવામાં આવ્યા છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ક્લસ્ટર તરીકે જાણીતા મોરબી શહેરમાં સરકારની ઉદાસીનતાને કારણે શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ મળવામાં અંતરાયો આવી રહ્યા છે, ખાસ કરીને વર્ષો જુના મહેકમથી ચાલતી મોરબી નગરપાલિકામાં સફાઈ વ્યવસ્થાથી લઈ અન્ય વિભાગોમાં પણ પૂરતો સ્ટાફ ન હોવાથી નગર શહેર મટીને ગામડા જેવી સ્થિતિમાં આવી ગયું છે, આવી જ સ્થિતિ અન્ય મોટી નગરપાલિકાઓની પણ છે. આ સંજોગોમાં મોરબીના વિકાસને પુરપાટ ઝડપે આગળ ધપાવવા મહાનગર પાલિકા જ ઉકેલ હોવાનું રાજકીય આગેવાનો પણ માની રહ્યા છે.

- text

બીજી તરફ વિકાસની હરણફાળ ભરી રહેલ મોરબી શહેરની આજુબાજુમાં આવેલ શનાળા, ત્રાજપર, વાવડી, લીલાપર, ધુનડા, જાંબુડિયા, રવાપર, રફાળેશ્વર, ઘુંટુ, રાજપર,મહેન્દ્રનગર સહિતના ગામોને જો મોરબીમાં સમાવિષ્ટ કરવામાં આવે તો મોરબી શહેર મહાનગર બનવાને લાયક થતું હોય ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત તમામ ગામોને તા.30મીમેના રોજ મોરબી કલેકટર કચેરી ખાતે અભિપ્રાય માટે બોલાવવામાં આવ્યા હોવાનું પણ લગત ગામોના સરપંચ જણાવી રહ્યા છે.

- text