મોરબીમાં આઇપીએલ ક્રિકેટ સટ્ટાનું જબરું નેટવર્ક ઝડપાયું : બુકી આલમમાં ફફડાટ

- text


ઋષભ સોસાયટી નજીક આવેલ બે ફ્લેટમાં કોલ સેન્ટરની જેમ કપાત લેવાતી હતી : બનાસકાંઠાના 9 શખ્સોને જુગાર રમાડવા કામે રખાયા હતા

મોરબી : આઇપીએલ ક્રિકેટ મેચ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે તેવા સમયે જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મોરબી શહેરમાં બે ફ્લેટમાં 9 ભાડૂતી માણસો દ્વારા કોલ સેન્ટરની જેમ ચલાવવામાં આવતા ક્રિકેટ સટ્ટાના નેટવર્કને ઝડપી લઈ 9 શખ્સોને 2.60 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જો કે, દરોડા દરમિયાન રાજકોટ અને મોરબીના બે મુખ્ય ભેજાબાજ બુકી પોલીસને હાથ લાગ્યા ન હોય 11 શખ્સ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ખીરધર ગામનો અજય કરશનભાઇ બાકુ પોતાના કબજા ભોગવટા ઋષભ સોસાયટીના ગેઇટ પાસે આવેલ અભી પેલેસમા આવેલ બે ફ્લેટમાં મોરબીના જય લલિતભાઈ અઘેરા અને રાજકોટના મિત જયેશભાઇ કાલરીયા સાથે મળી આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમા ઓનલાઈન જુગાર રમાડી રહ્યા છે.

આ બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા ઋષભ સોસાયટીના ગેઇટ પાસે આવેલ ફ્લેટમાંથી ઓનલાઈન ક્રિકેટ મેચનું જબરુ નેટવર્ક ઝડપાઇ ગયુ હતું જેમાં કોલ સેન્ટરની જેમ 9 ઈસમો દ્વારા લેપટોપ, મોબાઈલ ચોપડમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હોવાનું ખુલતા પોલીસે ફ્લેટમાં હાજર ફ્લેટ માલિક અજય કરશનભાઇ બાકુ, બનાસકાંઠા જિલ્લાના રહેવાસી અને ક્રિકેટનો સટ્ટો રમાડવા માટે નોકરી ઉપર રહેલા વિક્રમ નાનજી જોશી, રહે.સુઈ ગામ, નિકુલ ભૂરાભાઈ આસલ, રહે.ખરડોલ, મોન્ટુ અમૃતભાઈ જોશી રહે.વડાણા, મુકેશ ભાવાભાઈ ચીભળીયા, રહે.એટા ગામ, હસમુખ શિવરામ આસલ રહે.ખરડોલ, નવીન ગંગારામ જોશી, રહે.વામી, અશોક ભૂરાભાઈ જોશી રહે.તેતરવા અને પ્રવિણ રાણાભાઈ ગામોટ રહે.નેસડા નામના શખ્સોને ઓનલાઈન સટ્ટો રમાડતા ઝડપી લઈ 4 લેપટોપ, 17 મોબાઈલ ફોન, ત્રણ નોટબુક ચોપડા સહિત 2,60,470ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

જો કે, દરોડા દરમિયાન મુખ્ય ભેજાબાજ અને ઉપરોક્ત આરોપીઓને ક્રિકેટ સટ્ટાની કપાત લેવા નોકરીએ રાખનાર મોરબીના જય લલિતભાઈ અઘેરા અને રાજકોટના મિત જયેશભાઇ કાલરીયા હાજર નહિ મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી આરોપી જય અને મિતને ફરાર દર્શાવી તમામ 11 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાની ત્રિપુટી દ્વારા મોરબીમાં ફ્લેટમાં ચલાવવામાં આવતા આ ક્રિકેટ સટ્ટામાં ટાઇગર એક્સચેન્જ ડોટ કોમ, ગો એક્સચેન્જ ડોટ કોમ, ઇન્ડિયા ખેલ ડોટ કોમ, કિંગ એક્સચેન્જ ડોટ કોમ અને વીઆઇપી એક્સચેન્જ ડોટ કોમ નામના ડોમીનમાં આરોપીઓ અલગ અલગ આઇડીમાં ક્રિકેટ, હોકી અને ફૂટબોલ સહિતની રમતો ઉપર જુગાર રમાડતા હતા અને પોલીસે દરોડો પાડ્યો ત્યારે આરોપીઓ દ્વારા ચેન્નઈ સુપર કિંગ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાતી મેચ ઉપર સટ્ટો લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સટ્ટાનું અત્યાર સુધીનું મોટું કહી શકાય તેવું નેટવર્ક ઝડપી લેતા બુકી આલમમાં ફફડાટ ફેલાયો છે.

- text