મહિલા સતામણીના કિસ્સામાં પોલીસ કડક હાથે કામગીરી કરશે : રેન્જ આઈજી

- text


મોરબી વાર્ષિક ઇન્સ્પેકશનમા આવેલ રેન્જ આઈજીએ મોરબીની સલામતી માટે પોલીસ કટિબદ્ધ હોવાનો સુર વ્યક્ત કર્યો

મોરબી : આજરોજ મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવેલ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સિરામિક નગરી મોરબીની સલામતી માટે પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી ગુન્હેગારો સાથે કડક હાથે કામગીરી કરવા પોલીસને વિશેષ તાલીમ આપવામાં આવનાર હોવાનું જણાવી દુષ્કર્મ, છેડતી જેવા મહિલાઓની સતામણીના કિસ્સામાં પોલીસ કડક હાથે કામગીરી કરવા મક્કમ હોવાનું જણાવ્યું હતું.

આજરોજ મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા રેન્જ આઈજી આશોકકુમાર યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિરામિક હબ મોરબીની સલામતી માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે. ખાસ કરીને ઔધોગિક સંગઠનો સાથે નિયમિત મિટિંગ અને સૂચનો મેળવી હાલમાં ઔદ્યોગિક વિસ્તારમાં કાર્યરત કરેલી ચેકપોસ્ટના સારા પરિણામો મળ્યા હોવાનું જણાવી મોરબીની સલામતી માટે પરપ્રાંતીય શ્રમિકોને ડેટાબેઝ માટે શરૂ કરાયેલ એન્સ્યોર મોરબી એપમાં 80 ટકા કામગીરી પૂર્ણ કરી લઈ આગામી દિવસોમાં બાકીની કામગીરી પૂર્ણ કરવા માટે ઝુંબેશરૂપ કામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વધુમાં મોરબીમા સરાજાહેર છેડતીના બનાવને પગલે આગામી અઠવાડિયાથી પોલીસની સી ટીમ દ્વારા દરેક શાળા કોલેજો આસપાસ સઘન ચેકીંગ કરી ટપોરી આવારતત્વો વિરુદ્ધ ઝુંબેશ રૂપે કામગીરી શરૂ કરી કોચિંગ ક્લાસના સંચાલકો સાથે પણ ખાસ મિટિંગ કરવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

વધુમાં ઔદ્યોગિક નગરી મોરબીના ગુન્હેગારો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા માટે મોરબી પોલીસ હેડ કવાટર્સ ખાતે એક વિશેષ તાલીમ શિબિર યોજવામાં આવનાર હોવાનું જણાવી રેન્જ આઈજી દ્વારા પોલીસ પબ્લિક વચ્ચે સંવાદ થાય તે માટે મોરબી પોલીસ પરપ્રાંતીય વિસ્તારમાં પરપ્રાંતીય લોકો સાથે સંવાદ કરનાર હોવાનું પણ ઉમેર્યું હતું.

દરમિયાન મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા મોરબી પોલીસ અલ્પકાલીન અને દીર્ઘ કાલીન કામગીરી કરી અલ્પકાલીન કામગીરી હેઠળ હોમગાર્ડ, ટીઆરબીના સહયોગથી ટ્રાફિક નિયમન કરાવવાની સાથે દીર્ઘકાલીન કામગીરી માટે બાયપાસ સહિતના વૈકલ્પિક રસ્તાઓ અંગે પણ કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

અંતમાં મોરબીમાં સગીરાઓને પ્રેમજાળમા ફસાવી દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં કાફે, પાર્લરમાં છાન ગપતિયા અને ગોરખધંધા માટે પુરી પાડવામાં આવતી કેબિનની સુવિધાઓ મામલે પણ પોલીસને ચેકીંગ કરી કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text

- text