માવઠાથી અગરિયાઓને મોઢે આવેલો કોળિયો છીનવાઈ તેવી સ્થિતિ

- text


હળવદ પંથકમાં હજુ પણ 50 ટકાથી વધુ તૈયાર મીઠું રણમાં પડ્યું હોય અગરિયાઓ ચિંતિત

મોરબી : આજે મોરબી જિલ્લાના અનરાધાર વરસેલા માવઠાએ હળવદ પંથકમાં મીઠું પકવતા અગરિયાઓ માટે અણધારી આફત ઉભી કરી છે અને મહામહેનતે પકવેલું તૈયાર મીઠું માવઠામા ધોવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી હાલમાં અગરિયા રણ છોડી ગામ તરફ આવી ગયા હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ કેડો નથી મુકતો ત્યારે ગઈકાલે સાંજથી વાતાવરણમાં બદલાવ સાથે ગાજવીજ, પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકતા હળવદ નજીક કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

હળવદના ટિકર નજીક મીઠું પકવતા અગરિયા સમાજના અગ્રણી વિરમભાઈના જણાવ્યા મુજબ હાલમાં કચ્છના નાના રણમાં પરસેવો પાડી મીઠું પક્વનારા અગરિયાઓના તૈયાર મીઠાનો વિપુલ જથ્થો પડ્યો છે, હાલમાં આ મીઠું ઉપાડવાનું ચાલુ છે તેવા સમયે જ કમોસમી વરસાદ આવતા અમારા મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

વધુમાં વિરામભાઈ જણાવે છે કે, ટિકર નજીક કચ્છના નાના રણમાં હાલમાં અમારો 50 ટકાથી વધુ તૈયાર મીઠાનો જથ્થો પડ્યો છે. હાલમાં કમોસમી વરસાદ આવવાથી રણની ચીકણી માટીમાં વાહનોની અવર જવર સંપૂર્ણ બંધ થઈ જવાથી મીઠાનું લોડિંગ બંધ થયું છે. જો કે, હાલમાં થોડો વરસાદ જ પડ્યો હોય મીઠું સલામત હોવાનું અને વધુ વરસાદ પડે તો મીઠું પણ પલળી જવાની ભીતિ તેમને વ્યક્ત કરી હાલમાં વરસાદને કારણે અગરિયા લોકો રણ છોડી ગામ ભણી આવી ગયાનું જણાવ્યું હતું.

- text

- text