રવાપર રોડ ઉપર ભારે પવનમાં હોર્ડિંગ વીજ તાર ઉપર ખાબકતા વીજળી ગુલ

- text


શહેરના શનાળા રોડ, સામા કાંઠા સહિતના અનેક વિસ્તારના વીજ પુરવઠો ખોરવાયો

મોરબી : મોરબીમાં આજે ચારેક વાગ્યાના અરસામાં ગાજવીજ પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાની સાથે જ રવાપર રોડ ઉપર એક હોર્ડિંગ બોર્ડ વીજ તાર ઉપર પડતા અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઇ હતી. બીજી તરફ શનાળા રોડ ઉપરની સોસાયટીમાં પણ બતી ગુલ થતા લોકો અકળાયા હતા અને વીજ તંત્રને ફરિયાદ કરતા ફોન પણ નો રિસીવ થયા હોવાનું જાણવા મળે છે.

મોરબીમા આજે બપોરે પવન સાથે કમોસમી વરસાદ આવતા રવાપર રોડ ઉપર તેમજ શનાળા રોડની અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. દરમિયાન પીજીવીસીએલ મોરબી 1 ના અધિકારી પરમારે જણાવ્યું હતું કે, રવાપર રોડ ઉપર વી માર્ટ પાસે એક મોટું બેનર બોર્ડ વિજલાઈન ઉપર પડતા વીજ પુરવઠો ખોરવાયો છે અને હાલમાં મરામત કામગીરી ચાલુ છે.

- text

દરમિયાન મોરબી શનાળા રોડ પર આવેલી અરિહંત સહિતની અનેક સોસાયટીમાં કલાકો સુધી લાઈટ ગુલ થતા લોકોએ વીજતંત્રની ઓફિસે ફોન કરવા છતાં કોઈ ફોન જ ન ઉપાડતા હોવાની ફરિયાદ પણ કરી હતી, આ સાથે જ સામાં કાંઠા વિસ્તારમાં પણ અનેક સોસાયટીઓમાં લાઇન ટ્રીપ થવાથી વીજ પુરવઠો ખોરવાયો હોવાનું જાણવા મળે છે.

- text