સુપર માર્કેટ છેડતી પ્રકરણ : તમામ સાતેય આરોપીઓ ટંકારા પંથકના, બે આરોપી તો સગીર નીકળ્યા!

- text


આરોપીઓ પોતે સ્કૂલ-કોલેજમાં ભણવા મોરબી આવતા, વહેલા આવીને છેડતી જેવી કરતૂતો કરતા : આટલી નાની ઉંમરે આવી કરતૂતોનો કિસ્સો તમામ વાલીઓ માટે આંખ ઉઘાડનાર

મોરબી : મોરબીના સુપર માર્કેટમાં શાળા કોલેજે જતી દીકરીઓની છેડતી કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ ઘટનામાં એલસીબીએ જે 7 આરોપીઓને પકડ્યા છે તે તમામ ટંકારા પંથકના છે. જેમાંથી બે આરોપી તો સગીર નીકળ્યા છે.

મોરબીમાં ગઈકાલે સોશિયલ મીડિયામાં સુપર માર્કેટનો તા.18નો વીડિયો વાયરલ થયો હતો. જેમાં લુખ્ખાઓ સ્કૂલે જતી દીકરીઓને પગ મારવાના પ્રયાસ કરી રહ્યા હોય અને જાણી જોઈને આડા પગ રાખી રહ્યા હોવાના દ્રશ્યો કેદ થયા હતા. આ ઉપરાંત જ્યારે દીકરીઓ ત્યાંથી ચાલી જાય છે ત્યારે પાછળથી પજવણી કરવા જોરજોરથી બુમો પણ પાડતા હોવાનું વીડિયોમાં દેખાય આવતું હતું. આ બનાવમાં ધારાસભ્ય કાંતિલાલ અને મોરબી પોલીસે તુરંત ગંભીરતા દાખવીને તપાસ શરૂ કરી દીધી હતી.

આ બનાવમા એલસીબીએ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં રાહુલભાઈ મહેશભાઈ પટેલ ઉ.વ.19 રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા, નયનભાઈ નાગજીભાઈ પાટડીયા ઉ.વ.20 રહે. ધૂનડા તા.ટંકારા, અક્ષયરાજસિંહ લાલુભા ઝાલા ઉ.વ.18 રહે. નાના રામપર તા.ટંકારા, દર્શન લક્ષ્મણભાઈ કેશુર ઉ.વ.18 રહે. નાના રામપર તા. ટંકારા, અરુણભાઈ દોલતભાઈ જાદવ ઉ.વ.18 રહે. ધુનડા તા. ટંકારાનો સમાવેશ થાય છે. બાકીના 2 આરોપીઓ સગીર વયના હોય એટલે એમનું નામ જાહેર કરાયુ નથી.

વધુમાં મળતી માહિતી પ્રમાણે આ તમામ આરોપીઓ સ્કૂલ-કોલેજમાં ભણતા હોય, ભણવાના નામે ઘરેથી વહેલા નીકળીને આવી કરતૂતો કરતા હતા. એ ડિવિઝન દ્વારા આરોપીઓ સામે જી.પી. એક્ટ કલમ 110, 111, 117 મુજબ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text