રાજ્યમાં દિવાળી પછી જંત્રીના દરમાં ફરીથી તોળાતો વધારો

- text


શહેરના છેવાડે ઝડપથી ડેવલપ થઈ રહેલા વિસ્તારો માટે જંત્રીના દરમાં ચાલુ વર્ષમાં જ મોટો વધારો થવાની શક્યતા

મોરબી : રાજ્યમાં 15 એપ્રિલથી જંત્રીના બમણા દર અમલમાં આવી રહ્યા છે. તેના કારણે જમીન મકાનોના સોદામાં સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશનનો ખર્ચ વધી જશે. પરંતુ જંત્રીનો મુદ્દો અહીં સમાપ્ત થવાનો નથી. ગુજરાત સરકાર ચાલુ વર્ષમાં દિવાળી સુધીમાં વધુ એક વખત જંત્રીના દરમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં માર્કેટ રેટ સાથે સુસંગત થાય તે રીતે જંત્રીના દરમાં ફેરફાર થશે તેવું જાણવા મળ્યું છે. ખાસ કરીને શહેરના છેવાડે ઝડપથી ડેવલપ થઈ રહેલા વિસ્તારો માટે જંત્રીના દરમાં ચાલુ વર્ષમાં જ મોટો વધારો થઈ શકે છે.

આઇએમ ગુજરાતના અહેવાલ મુજબ પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યના મોટાભાગના શહેરની બહારના વિસ્તારોમાં જંત્રીના દર ઘણા નીચા છે, પરંતુ તાજેતરમાં જમીનના માર્કેટ ભાવ અનેકગણા વધી ગયા છે. તેથી માર્કેટ રેટ અને જંત્રીના દર વચ્ચેનો તફાવત દૂર કરવા માટે રેટમાં ફેરફાર થઈ શકે છે.રાજ્ય સરકારના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે આ વેલ્યૂ ઝોનમાં સરવે કામ કરવામાં કેટલાક મહિના લાગી શકે છે. નવા ડેવલપ થઈ રહેલા વિસ્તારોમાં જમીન અને મકાનોના ભાવ આસમાને પહોંચી ગયા છે પરંતુ જંત્રીના દર નીચા છે. એક વખત સરવે પૂર્ણ થાય, જમીનના બજાર ભાવ જાણવા મળે ત્યાર પછી અમુક વેલ્યૂ ઝોનમાં જંત્રીના દરમાં મોટો વધારો આવી શકે છે. તેઓ માને છે કે દિવાળી પછી જ આ આંચકો આવી શકે છે.

- text

ગુજરાત સરકાર જંત્રીના ડાયનેમિક રેટ લાગુ કરે તેવી શક્યતા છે. તેના માટે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ટીમને મોકલવામાં આવી શકે છે જ્યાં જંત્રીની પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પણ મુંબઈની આસપાસ નવા ડેવલપ થઈ રહેલા વિસ્તારોમાં જંત્રીની પેટર્ન બદલાઈ છે.સૂત્રોના મતે શહેરની ભાગોળેના વિસ્તારમાં જંત્રીના દરમાં મોટો વધારો થાય તો રિયલ એસ્ટેટ સેક્ટરને ફટકો પડે તેવી શક્યતા છે. કારણ કે જંત્રી વધવાની સાથે સાથે મકાનોના ભાવ પણ વધી જશે.

- text