ચરાડવા પીજીવીસીએલના કર્મચારીનું અપહરણ 

- text


બે અજાણ્યા શખ્સો અજ્ઞાત સ્થળે રૂમમાં પૂર્યા હોવાની જાણ પરિવારજનો ને કરતા પોલીસ ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે પીજીવીસીએલની જેટકો કચેરીમાં નોકરી કરતા કર્મચારીનું અજાણ્યા બે ઈસમો અપહરણ કરી જતા આ મામલે તેમના નાનાભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમ પાસે રામેશ્વર હાઇટ્સમાં રહેતા મેહુલભાઈ મનસુખભાઇ ઇઢાટીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના મોટાભાઈ અમિતભાઇ ઇઢાટીયા હળવદના ચરાડવા ખાતે આવેલી જેટકોની ઓફિસમા નોકરી કરે છે, જેઓ તા.4 એપ્રિલના રોજ સવારે નોકરીએ ગયા બાદ પરત નહિ ફરતા ચિંતિત બનેલા તેમના પત્ની સહિતના પરિવારજનોએ મોબાઈલ ફોન કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.

બીજી તરફ પરિવારજનોએ જેટકોની ઓફિસમાં ફોન કરતા અમિતભાઇ ઓફિસથી નીકળી ગયા હોવાનું જાણવા મળેલ હતું. બાદમાં ફરિયાદી મેહુલભાઈને જેટકો કચેરીના જુનિયર એન્જીનીયર ઋત્વિક પટેલનો ફોન આવ્યો હતો અને તેમને કહ્યું હતું કે તા.4ના રોજ બપોરના ત્રણેક વાગ્યે બન્ને સાથે જ નોકરીએથી પરત નીકળ્યા હતા અને અમિતભાઇ મોરબી જવા માટે વાહનની રાહ જોઇને ઉભા હતા જ્યાંથી હું હળવદ જવા રવાના થયો હતો.

- text

જો કે, અમિતભાઈ લાપતા બન્યાના અણસાર મળતા ફરિયાદી મેહુલભાઈ અને તેમના મિત્રો સતત અમિતભાઈને ફોનમાં ફોન લગાડવા કોશિશ કરતા હતા પરંતુ તેમના બધા જ ફોન સ્વીચ ઓફ આવતા હોય અંતે હળવદ પોલીસ સ્ટેશનમાં અમિતભાઇ ગુમ થવા અંગે જાણ કરી હતી. બાદમાં અમિતભાઈના પિતાના મોબાઈલ ફોનમાં અમિતભાઈનો ફોન આવ્યો હતો અને પોતાનું કોઈ બે શખ્સ દ્વારા અપહરણ કરાયું હોવાનું અને કોઈ રૂમમા પુરી રાખ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે, કઈ જગ્યાએ તેઓને રાખવામાં આવ્યા છે તે અંગે કોઈ જાણકારી ન હોવાનું કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં અનેક પ્રયત્ન કરવા છતાં અમિતભાઇનો પતો ન લાગતા અંતે આ મામલે હળવદ પોલીસે અપહરણ અંગેનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text