મંદીનો સામનો કરવા પ્રોડક્શન ઘટાડી નાખતા સિરામીક ઉધોગપતિઓ 

- text


મોરબી ક્લસ્ટરમાં સરેરાશ 25 ટકા એકમોમાં ઉત્પાદન બંધ સિરામીક આઇટમોની પડતર કિંમત ઘટાડવા સોલાર અને વીન્ડ એનર્જી પ્લાન્ટ નાખી સસ્તું ઇંધણ મેળવવા પણ પ્રયાસ 

મોરબી : સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ક્લસ્ટર તરીકેનું સ્થાન ધરાવતો મોરબીનો સિરામીક ઉદ્યોગ હાલમાં સ્થાનિક માર્કેટમાં ઘરાકીના અભાવે મંદીનો સામનો કરી રહ્યું છે ત્યારે સરેરાશ મોરબીના 25 ટકા ઉદ્યોગો બંધ જેવી સ્થિતિમાં હોવાની સાથે મોટાભાગના સિરામીક એકમોએ ઉત્પાદનમાં કાપ મુક્યો છે, મોરબીના અગ્રણી સિરામીક ઉદ્યોગકાર કહે છે કે, મંદીનો માર સહન ન કરવો પડે તે માટે પ્રોડક્શન કોસ્ટમાં મુકવા મોંઘા નેચરલ ગેસને બદલે 30થી 40ટકા ઉદ્યોગકારોએ સસ્તો પ્રોપેન અને એલપીજી વપરાશ પણ શરૂ કર્યો છે.બીજી તરફ મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખે પણ સિરામીક ઉદ્યોગને ટકાવી રાખવા સરકાર પાસે ગેસના ભાવમાં ઘટાડાની માંગ દોહરાવી હતી.

ટાઇલ્સ એટલે મોરબી અને મોરબી એટલે ટાઇલ્સ…. સિરામીક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મોરબીમાં 850થી વધુ સીરામીક એકમો આવેલા છે જ્યાં વોલ, ફ્લોર, ડબલ ચાર્જ, વીટ્રીફાઇડ, જીવીટી- પીજીવીટી, સ્લેબ ટાઇલ્સ અને વિવિધ સેનેટરીવેર્સ પ્રોડક્ટ્સ બનાવતા 850 જેટલા એકમો આવેલા છે. જો કે, છેલ્લા એક વર્ષમાં સિરામીક ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો આવવાણી સાથે સ્થાનિક માંગમાં ઘટાડો થતા હાલમાં સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જતા આપબળે આગળ આવેલા ઉદ્યોગકારોએ ઉત્પાદન કિંમત ઘટાડવા માટે નેચરલ ગેસના વિકલ્પે પ્રોપેન, એલપીજી વપરાશ વધારી સાથો – સાથ વીજબીલ ઘટાડવા માટે વીન્ડ એનર્જી અને સોલાર એનર્જી સ્થાપી પ્રોડક્શન કોસ્ટમાં કાપ લાવવા કમર કસી હોવાનું બ્રોન્ઝ સિરામીકના હસમુખભાઈ હાલપરા જણાવી રહ્યા છે.

બીજી તરફ મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજા કહે છે કે, સિરામીક ઇન્ડસ્ટ્રીઝે ક્યારેય ન જોઈ હોય તેવી મંદીનો હાલમાં સામનો કરવો પડી રહ્યો છે, હાલમાં મોરબીના અંદાજે 850 થી વધુ એકમો પૈકી 25 ટકા એકમો સમયાંતરે પોતાના પ્રોડક્શન બંધ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર દરમિયાન વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ક્લસ્ટરે સ્વૈચ્છીક શટડાઉન પણ કરવામાં આવ્યું હતી. જો કે, હાલમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલા મોરબીની ઓળખ સમાન સીરામીક ઉદ્યોગને ટકાવી રાખવા સિરામીક ઇન્ડસ્ટ્રીઝ સરકાર પાસેથી ગેસના ભાવમાં રાહતની પણ આશા સેવી રહ્યું છે.

- text

- text