મોરબીના સિપાઈવાસમાં જૂથ અથડામણમાં સામસામી ફરિયાદ નોંધાઈ

- text


સામાન્ય માથાફૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છરી અને ધોકા ઉડતા ત્રણ ઘાયલ, છરીથી હુમલામાં એક ગંભીર રીતે ઘાયલ થતા સામસામી ફરિયાદમાં એક પક્ષે ખૂની હુમલાની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના સિપાઈવાસમાં ગતરાત્રે બે જૂથ વચ્ચેની અથડામણમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં સામાન્ય માથાફૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છરી અને ધોકા ઉડતા ત્રણ ઘાયલ થયા હતા. હાલ બે રાજકોટ અને એક મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એમાં એકની હાલત ગંભીર ગણાવાય રહી છે. છરીથી હુમલામાં એક ગંભીર રીતે ઘાયલ થતા સામસામી ફરિયાદમાં એક પક્ષે ખૂની હુમલાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ગ્રીનચોક પાસે આવેલ ભોંયવાડામા રહેતા અકબરભાઈ આલમભાઈ કુરેશીએ આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ખૂની હુમલાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના ભાણેજ સલીમભાઈને આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશી સાથે ગાળો બોલવા મામલે ડખ્ખો થયો હતો. દરમિયાન જ્યારે ફરિયાદીના બે દીકરા મનસુરભાઈ તથા અબ્બાસભાઈ ગતરાત્રે સિપાઈ વાસમાં આવ્યા ત્યારે સિપાઈ વાસના નાકે બેઠેલા આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીએ અગાઉના મનદુઃખનો ખાર રાખી મનસુરભાઈ તથા અબ્બાસભાઈ ઉપર છરીથી હુમલો કર્યો હતો. જેમાં મનસુરભાઈ ગાળા સાહિતન શરીરના ભાગે અને અબ્બાસભાઈને છાતીમાં પાંચ છરીના ઘા ઝીકી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરતા બન્નેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખેસડાયા હતા. જ્યાં મનસુરભાઈની હાલત ગંભીર હોવાથી તેમને બેભાન હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. જ્યારે અબ્બાસભાઈને પણ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

- text

સામેપક્ષે સિપાઈ વાસમાં રહેતા મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીએ અબ્બાસભાઈ અકબરભાઈ કુરેશી અને મનસુરભાઈ અકબરભાઈ કુરેશી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.31ના રોજ ફરિયાદીને આરોપીના સગા સલીમભાઈ સાથે ગાળો બોલવા બાબતે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટનો ખાર રાખી આરોપીઓએ જ્યારે ફરિયાદી ગતરાત્રે રમજાન મહિનાનું રોજુ છોડી સિપાઈ વાસના નાકે બેઠા હતા ત્યારે તેમને ફોન કરીને ક્યાં છો કહી સિપાઈ વાસના નાકે આવી બન્ને આરોપીઓએ ત્યાં બેઠેલા ફરિયાદી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીને ગાળો આપી ધોકાથી તેમના માથા અને છાતીના ભાગે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમને પણ પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text