જીતે ભાઈ જીતે ! ટંકારાના જોધપર ઝાલા ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર ઝડપાયો 

- text


ટંકારા પોલીસે દરોડો પાડતા પાંચ આરોપીઓએ મુઠ્ઠીઓ વાળી, પાંચ પકડાયા : રૂપિયા 1.12 લાખ રોકડા સહિત 2.72 લાખનો મુદામાલ કબ્જે 

ટંકારા : ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે ગત મોડીરાત્રે વાડી વિસ્તારમાં દરોડો પાડતા જીતે ભાઈ જીતેની બૂમો પાડી ઘોડી પાસાનો જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને અંધારાનો લાભ લઈ પાંચ આરોપીઓ મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા.જો કે, પોલીસ ટીમે પાંચ જુગારીઓને ઝડપી લઈ રૂપિયા 1.12 લાખ રોકડા સહિત 2.72 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ નાગજીભાઈ બાર, એ.એસ.આઈ.મહમદ ઉસ્માન કાદરબક્ષ બ્લોચ,ભાવેશભાઈ વરમોરા, કોન્સ્ટેબલ વિપુલભાઈ બાલાસરા, સિધ્ધરાજસિંહ ઝાલા, રમેશભાઈ રબારી અને અનિલભાઈ પરમાર સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે મિતાણા ચોકડી નજીક પહોંચતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ નાગજીભાઈ બાર અને ભાવેશભાઈ વરમોરાને બાતમી મળી હતી કે, જોધપર ઝાલા ગામની સીમમાં વીરવાવ જવાના રસ્તે મનુભાઈ ભીખાભાઈના ખેતર નજીક આવેલ ખરાબાની જગ્યામાં ઘોડીપાસાનો જુગાર રમાઈ રહ્યો છે.

- text

બાતમીને આધારે ટંકારા પોલીસ મથકની ટીમે જોધપર ઝાલા ગામની સીમમાં વીરવાવ જવાના રસ્તે મનુભાઈ ભીખાભાઈના ખેતર પાસે આવેલ ખરાબામાં દરોડો પાડતા ઘોડીપાસાના ખેલંદાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસ ટીમે દરોડા દરમિયાન ઘોડીપાસાનો જુગાર રમી રહેલા રાજકોટના કરણ દડુભાઈ ચાવડા, અજય મનોજભાઈ સોલંકી, ચિરાગ ગોપાલભાઈ ગરળીયા, રફીક ઓસમાણ ખોખર અને મોરબીના પ્રકાશ નરભેરામ ભૂતને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1,12,200, સીએનજી રીક્ષા, એક એક્ટિવા, નવ મોબાઈલ ફોન તેમજ એક બેટરી સહિત કુલ રૂપિયા 2,72,250નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જો કે ઘોડીપાસાના જુગાર ઉપર દરોડા દરમિયાન નાસભાગ મચી જતા આરોપી ટંકારાના વીરવાવ ગામના ગિરિરાજસિંહ સહદેવસિંહ જાડેજા, રાજકોટનો રવિ રમેશભાઈ ગડીયલ, બોબી સંધિ, અલીભાઈ અને રફીક ઉર્ફે મોગલ નામના આરોપીઓ અંધારામાં નાસી જતા પોલીસે દસેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text