મોરબી નગરપાલિકાના બજેટમાં મંદીની સર્કિટ ! બજેટનું કદ ઘટીને અડધું 

- text


રૂ.150 કરોડના બજેટમાં ઝૂલતાપુલ દુર્ઘટના બાદ શિથિલ બનેલા પાલિકા તંત્રએ વર્ષ 2023-24ના બજેટમાં કોઈ નવી જોગવાઈઓ ન કરી 

સરકાર તરફથી મળતી સહાયમાં કાપ આવ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ગત વર્ષની તુલતાએ આ બજેટમાં 20,648 લાખનું કદ ઘટ્યું

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબી નગર પાલિકાને ભારતીય શેરબજારનો ચેપ વળગ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે, આજે રજૂ થયેલા મોરબી નગરપાલિકાના વર્ષ 2023-24ના સામાન્ય બજેટનું કદ ગત વર્ષની તુલનાએ ઘટીને અડધાથી વધુ ઘટી ગયેલું જોવા મળ્યું છે, ગત વર્ષે મોરબી નગર પાલિકાનું 357.35 કરોડ હતું જે આ વર્ષે 150.89 કરોડ થયુ છે. સામાન્ય રીતે કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બજેટમાં ઉતરોતર વધારો જોવા મળતો હોય છે જયારે મોરબી નગર પાલિકામાં મોસાળે જમણ અને માં પીરસનાર જેવી સ્થિતિમાં બાવને બાવન સભ્યો ભાજપના હોવા છતાં ઉલ્ટી ગંગા જેવી સ્થિતિ જોવા મળતા આશ્ચર્ય સર્જાયું છે.

ઇન્ચાર્જ ચીફ ઓફિસરના હવાલે ચાલતી સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગરપાલિકાનું આજે નાણાકીય વર્ષ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આજે રજૂ થયેલા આ બજેટમાં નગરપાલિકા દ્વારા 150.89 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. બજેટમાં આવક રૂપે મ્યુનિ રેઈટ અને ટેક્સીસ રૂપે 2372.00 લાખ, સ્થાવર મિલ્કતની આવક રૂપિયે 1035.00, પરચુરણ 2389.00 લાખ, નામદાર સરકારશ્રી તરફથી સહાય 8919.00 લાખ અને અસાધારણ રૂપે 378 લાખની આવક અંદાજવામાં આવી હતી.

જયારે નાણાકીય વર્ષ 2023-24માં ખર્ચ પેટે સામાન્ય વહીવટ માટે 169.00 લાખ, કરની વસુલાત સ્થાનિક જકાત પેટે 70.00, બીજા કરો 105.00, વળતર પેટે 100.00, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી અને પેંશન ખર્ચ પેટે 898.00, પબ્લિક સેફટી ફાયર સ્ટેશન પાછળ 330.00, રોશની શાખા 365.00, જાહેર તંદુરસ્તી અને પાણી પુરવઠા માટે 1020.00. કન્ઝર્વન્સી 1465, મેલેરિયા પાછળ 79, માર્કેટ, ધર્મશાળા પાછળ 00.00, બાગબગીચા માટે 102.00, જાહેર બાંધકામ પાછળ 1550 લાખ, ભૂગર્ભ ગટર 730 લાખ, ઝૂલતા પુલ પાછળ 00.00, વાંચનાલય પાછળ 6.00, બાલમંદિર પાછળ 20 લાખ, યુબીએસ માટે 3 લાખ, પરચુરણ માટે 550 લાખ, ગ્રાન્ટ અન્વયે ખર્ચ 7149.00 લાખ અને અસાધારણ ખર્ચ પાછળ 378 લાખની જોગવાઈ મળી કુલ 15089.00 લાખ તેમજ 4 લાખની વબંધ સિલ્ક મળી 15093 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પાછળ ત્રણ-ચાર વર્ષથી મોરબી નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સહિતના અનેક દિવાસ્વપ્ન મોરબીની જનતાને બતાવવામાં આવ્યા હતા પરંતુ સરકાર તરફથી મળતી સહાયમાં ઓણસાલ કાપ મુકાઈ જતા મોરબી નગર પાલિકાના બજેટમાં સ્પષ્ટ મંદીના અણસાર જોવા મળી રહ્યા છે. આ સંજોગોમાં ચાલુ નાણાકીય વર્ષમાં મોરબીના લોકોને કેવા કેવા વિકાસ કામોની ભેટ મળે છે તે જોવું રહ્યું.

- text

- text