28મી માર્ચે મોરબી પાલિકાની બજેટ અંગેની ખાસ સામાન્ય સભા

- text


ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ડોલમડોલ શાસન વચ્ચે કરબોજ અને યોજનાઓ વગરનું બજેટ રજૂ થાય તેવી શક્યતા

મોરબી : મોરબી નગરપાલિકામાં બાવને બાવન સભ્યો ભાજપના હોવા છતાં પણ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પાલિકા મૂર્છિત અવસ્થામાં મુકાઈ ગઈ હોય તેવી સ્થિતિમાં વિકાસ કામોને સજ્જડ બ્રેક લાગી છે ત્યારે આગામી 28 માર્ચના રોજ પાલિકાના આગામી વર્ષના બજેટના એક માત્ર એજન્ડા સાથે સામાન્ય સભા મળનાર છે, જો કે મજાની વાત એ છે કે ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં છે છતાં ગત વર્ષ બજેટને હજુ સુધી બહાલી મળી નથી.

મોસાળે જમણ અને માં પીરસનાર કહેવત મુજબ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર હોવાની સાથે મોરબી નગરપાલિકામાં પણ બાવને-બાવન બેઠક ભાજપ પાસે હોવા છતાં પણ શહેરીજનોને વિકાસના મીઠા ફળનો સ્વાદ ચાખવા નથી મળ્યો, બીજી તરફ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબી પાલિકાના શાસકો ઉપર લટકતી સુપરસીડની તલવારને પગલે પાલિકામાં શુષ્ક માહોલ વચ્ચે નગરસેવકોની પાંખી હાજરી અને કાયમી ચીફ ઓફિસરની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગી રહી છે તેવામાં આગામી તા.28 માર્ચના રોજ પાલિકાનું બજેટ બોર્ડ બોલાવવામાં આવ્યું છે.

- text

બજેટ બોર્ડમાં માત્રને માત્ર આગામી વર્ષના બજેટનો જ સમાવેશ કરાયો છે અને અન્ય કોઈ એજન્ડા સમાવવામાં આવ્યા ન હોવાનું અંતરંગ વર્તુળો જણાવી રહ્યા છે, આશ્ચર્યજનક બાબત તો એ છે કે, ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પાલિકામાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય ગત વર્ષના બજેટને પણ હજુ સુધી બહાલી આપવામાં આવી નથી ત્યારે હવે ભાજપી શાસકો ગતવર્ષના બજેટને ક્યારે બહાલી આપી શકે છે તે જોવું રહ્યું.

- text