ઘુડખર અભ્યારણમાં ખનીજચોરી તેમજ મીઠાના અગર મામલે હાઇકોર્ટમાં પીઆઈએલ

- text


જાહેરહિતની અરજીને પગલે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોરબી જિલ્લા સહિતના સંબંધિત વિભાગોને નોટિસ : અખબારોમાં જાહેર નોટિસ છપાવવા પણ નિર્દેશ

મોરબી : કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્યમાં ચાલતા ગેરકાયદે ખનન મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી એક મહત્ત્વની જાહેરહિતની રિટ અરજીમાં ચીફ જસ્ટિસ આશિષ જે.દેસાઇ અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે રાજય સરકાર, રાજયના ચીફ સેક્રેટરી, વન અને પર્યાવરણ વિભાગ, મહેસૂલ વિભાગ સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી જવાબ માંગી આગામી તા.24 એપ્રિલના રોજ વધુ સુનાવણી મુકરર કરી છે.સાથો-સાથ સમગ્ર મામલે બહોળી પ્રસિધ્ધિ ધરાવતા અખબારોમાં જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવા પણ રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે.

મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં આવેલ અતિશય દુર્લભ એવા ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે ખનન, ખનીજચોરી અને મીઠાના ગેરકાયદેસર અગર ધમધમતા હોવાથી દુર્લભ એવી ઘુડખર પ્રજાતિની સલામતી, સુરક્ષા અને તેમના અસ્તિત્વ સામે ગંભીર ખતરો પેદા થયો હોવાથી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે અને પ્રતિબંધિત અભયારણ્ય ક્ષેત્રમાં ગેરકાયદે રીતે મીઠાનું ઉત્પાદન અને ખનનની પ્રવૃત્તિઓ અટકાવવા કોઇ પગલાં લેવાયા ન હોવાનું જણાવાતા ચીફ જસ્ટિસ આશિષ જે.દેસાઇ અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે રાજય સરકાર, રાજયના ચીફ સેક્રેટરી, વન અને પર્યાવરણ વિભાગ, મહેસૂલ વિભાગ તેમજ મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી છે.

- text

વધુમાં આ જાહેરહિતની અરજીમાં વર્ષ ૨૦૨૦માં ખુદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ઘુડખર અભયારણ્યાના ૧૦ કિલોમીટરના સમગ્ર વિસ્તારમાં મીઠાના ઉત્પાદન અને ખનનની પ્રવૃત્તિ પર રોક લગાવતો હુકમ કર્યો હોવા છતાં આ હુકમનું સરેઆમ ઉલ્લંઘન કરી ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવાનું જણાવી ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં પર્યાવરણની રક્ષા અને દુર્લભ પ્રજાતિ એવા ઘુડખરના રક્ષણ માટે ગેરકાયદેસર ખનન તાત્કાલિક રીતે બંધ કરાવવા દાદ માંગવામાં આવી છે. આ ગંભીર બાબતે નામદાર હાઇકોર્ટે દ્વારા ગુજરાત સરકારના સંબંધિત વિભાગોને નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી તા.૨૪મી એપ્રિલના રોજ રાખી છે.

- text