સો… સો… સલામ…. સાહેબ ! કેન્સર પીડિત શિક્ષકે પોતાના બદલે બોર્ડના વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી  

- text


સરકારી હાઈસ્કૂલના શિક્ષક રમણીકભાઇ ડોબરિયા મોઢાના કેન્સરના ઓપરેશન બાદ 45 દિવસમાં ફરી ડબલ શિફ્ટમાં કામે લાગી બાળકોનો અભ્યાસક્રમ પૂર્ણ કરાવ્યો 

મોરબી : આજના સમયમાં ખાનગી શાળાઓના મોંઘાદાટ શિક્ષણના આભાસ વચ્ચે સરકારી શાળા અને સરકારી શાળાના શિક્ષકો વિશે અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે ત્યારે રાજકોટની બાજુમાં આવેલા ખેરડી નામના નાના એવા ગામની સરકારી હાઇસ્કૂલના આચાર્યની જિંદાદિલી અને પોતાના સ્વાસ્થ્યને બદલે શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યની ચિંતા કરવાનો ગુરુશિષ્યની પરંપરાનો ઉત્તમ કિસ્સો સામે આવ્યો છે.

લેખક શૈલેષ સગપરીયાએ પોતાના લેખમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના ખેરડી ગામની સરકારી હાઇસ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવતા રમણીકભાઇ ડોબરીયાને મોઢાનું કેન્સર ડિટેક્ટ થતાં કેન્સર સર્જને તાત્કાલિક સર્જરી કરાવવા સલાહ આપી પણ ડોબરીયા સાહેબે ડોકટરને પૂછ્યું, “સાહેબ થોડી મોડી સર્જરી કરાવું તો ન ચાલે ?” ડોકટરે સામો પ્રશ્ન કર્યો, “કેન્સર જેવા ગંભીર રોગમાં સર્જરી પાછી ઠેલવાનું કોઈ ખાસ કારણ ?” ડોબરીયા સાહેબે કહ્યું, “સાહેબ, હું શાળામાં આચાર્ય છું પણ વિદ્યાર્થીઓને ભણાવવું મને બહુ ગમે છે એટલે મારી શાળાના દસમા ધોરણના વિદ્યાર્થીઓને હું ગણિત ભણાવું છું. અત્યારે નવેમ્બર મહિનો ચાલે છે એટલે હજુ થોડો અભ્યાસક્રમ બાકી છે. મારા મોઢાની સર્જરી બાદ મારાથી વિદ્યાર્થીઓને ન ભણાવી શકાય તો એના અધૂરા અભ્યાસક્રમનું હવે શું થાય એનો સતત વિચાર આવ્યા કરે છે એટલે જો મોડું ઓપરેશન ચાલે એમ હોય તો હું વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો કરાવી દઉં જેથી બોર્ડની પરીક્ષામાં મારા વિદ્યાર્થીઓ પાછા ન પડે.”

- text

ડોકટરે કહ્યું, ‘ઑપરેશન તો તાત્કાલિક જ કરવું પડે એમ છે પણ સારી રિકવરી થશે તો તમે બે મહિના પછી વિદ્યાર્થીઓને ભણાવી શકશો.’ ડોકટરની સલાહ પ્રમાણે સર્જરી કરવાનું નક્કી થયું. ડોબરીયા સાહેબને સર્જરી માટે ઓપરેશન થીયેટરમાં લાવ્યા ત્યારે ડોક્ટરે જોયું કે તેઓ કોઈ ઊંડા વિચારમાં છે. ડોકટરે પૂછ્યું, ‘સાહેબ, શું વિચારો છો ?’ ડોબરીયા સાહેબે કહ્યું, “સાહેબ, મને હજુ પણ મારા વિદ્યાર્થીઓનો જ વિચાર આવે છે. ગામડાના વિદ્યાર્થીઓ છે અને માર્ચમાં બોર્ડની પરીક્ષા છે. અત્યારે ગણિત માટે બીજા કોઈ શિક્ષકની વ્યવસ્થા પણ ન થાય એટલે વિદ્યાર્થીઓના બાકી અભ્યાસક્રમનું શું થશે એની ચિંતા થાય છે. તમે કંઇક એવું કરજો કે હું ઝડપથી બોલતો થઈ જાવ.’

ઓપરેશન ટેબલ પર સૂતેલો માણસ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાના બદલે બીજાનો વિચાર કરે એ કોઈ સામાન્ય બાબત નહોતી. ડોકટરે પણ સાંત્વના આપતા કહ્યું, ‘તમારી આવી ભાવનાને કારણે ભગવાન પણ મદદ કરશે’ સતત વિદ્યાર્થીઓની જ ચિંતા કરતા આ શિક્ષકના મોઢાના કેન્સરની સર્જરી બાદ 45માં દિવસે એ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળાએ આવી ગયા હતા. બાકીનો અભ્યાસક્રમ પૂરો કરવા માટે ડબલ શિફ્ટમાં કામ કર્યું અને બોર્ડની પરીક્ષા પહેલા ગણિતનો અભ્યાસક્રમ પણ પૂરો કરાવ્યો.

આજના સમયમાં ગુરુશિષ્યની પરંપરા નિભાવતા શિક્ષકો હજુ પણ મોજુદ છે ત્યારે રમણીકભાઈ ડોબરીયા જેવા શિક્ષકને કારણે ખેરડીની આ સરકારી શાળા બોર્ડ પરીક્ષાના પરિણામમાં દર વર્ષે શ્રેષ્ઠતમ દેખાવ કરે છે. પોતાના સ્વાસ્થ્ય કે પરિવાર પહેલા જેને વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર આવે છે એવા ડોબરીયા સાહેબ જેવા સૌ શિક્ષકોને વંદન.

- text