બુરા ન માનો હોલી હૈ! મોરબીમાં રંગોસત્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી

- text


અબાલવૃધ્ધ સહિત સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો

મોરબી : બુરા ન માનો હોલી હૈ ! આજે મોરબીમાં હોળી ધુળેટી પર્વની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે ઠેરઠેર હોલિકા દહન થયા બાદ આજે ધુળેટીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. અબાલવૃધ્ધ સહિત સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો હતો. જ્યારે સંસ્થાઓ અને સેવાભાવીઓ દ્વારા ધૂળેટીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

ઉત્સવપ્રિય મોરબી શહેરે મોંઘવારી અને મંદીનો માર તથા તમામ દુઃખ દર્દોને કોરાણે મૂકી હોળી ધુળેટીની શાનદાર ઉજવણી કરી હતી.હોળીની રાત્રે શહેરના તમામ વિસ્તારો તથા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આસ્થાભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે ધૂળેટીની નિર્દોષ મોજ મસ્તી અને ધમાલ સાથે રંગારંગ ઉજવણી કરી હતી.અબાલ વૃદ્ધ સહિત સોકોઈ એકબીજા પર રંગો ઉડાડીને આત્મીયતાના રંગે રંગાયા હતા. જ્યારે ધુળેટીની ઉજવણીમાં છાકટા બનતા તત્વોને પોલીસે સીધાંદોર કરી દીધા હતા.અને આવરા તત્વોની શાન ઠેકાણે લાવી હતી. જો કે બે વર્ષ બાદ આ વખતે કોરોનાની પરિસ્થિતિ એકદમ નોર્મલ હોવાથી લોકોએ ભયમુક્ત બનીને ધુળેટીની રંગારંગ ઉજવણી કરી હતી. તો ઘણા લોકો પોતાના પરિવાર કે મિત્રો સાથે બહારગામ ફરવા જઈને ધૂળેટીની ઉજવણી કરી હતી.

ધુળેટીએ શેરીએ ગલીએ વિવિધ રંગોની બોછાર ઉડી હતી. નાનાથી માંડીને મોટેરાઓએ પોતાના પરિવાર, સ્નેહીજનો, સગા અને મિત્રો સાથે મનભરીને રંગોત્સવને મનાવ્યો હતો.ધુળેટી પર્વને લઈને કલેકટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જાહેરમાં કલર ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. ખાસ કરીને ધુળેટીમાં રંગ ઉડાડવાના બહાને આવારા તત્વો છાકટા બનતા હોય અને જાહેર માર્ગો પર આવતા જતા લોકોને ધૂમ બાઇક ઉપર આ શખ્સો કલર ઉડાડીને પજવણી કરતા હોય, તેમની સામે કડક કાર્યવાહી કરવા સમગ્ર જિલ્લા પોલીસ સજ્જ બની હતી અને મોરબી શહેર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને સતત જાહેર માર્ગો પર પેટ્રોલીંગ કર્યું હતું. અને ધુળેટીના તહેવારોમાં કલરો પરાણે ઉડાડીને પજવતા આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં મોરબી જિલ્લામાં એક ડીવાયએસપી, 8 પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ કર્મચારીઓ મળી 600 જેટલો સ્ટાફ જોડાયો હતો.

- text

- text