આજે વુમન ડે : મોરબીના મહિલા કોન્સ્ટેબલ હવે વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર સર કરશે

- text


ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાથી સ્પોર્ટ્સની શરૂઆત કરી પોલીસ ડીજીપી કપ, ઓલ ઈન્ડિયા એથ્લેટીક્સ, ખેલ મહાકુંભ, મેરોથોન જેવી દોડ સ્પર્ધામાં મેદાન માર્યું

મોરબી : કદમ જેના અસ્થિર હોય એને રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો’ આ પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરી છે મોરબીના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભુતે, આજે 8 માર્ચને વિશ્વ મહિલા દિવસે પહાડોની પરી તરીકે ઓળખાતા ભૂમિકાબેન ભૂતની સાહસિક પ્રવૃત્તિઓની રોમાંચક સફર વર્ણવવી રસપ્રદ બની રહેશે.

મોરબીની ભૂમિ એટલે બહુ રત્ના વસુંધરા આ ભૂમિમાં એવું સત્વ અને તત્વ પડેલું છે, લોકો કંઈક ને કંઈક નવું નવું સાહસ કરતા રહેતા હોય છે ત્યારે ગુજરાત પોલીસનું ગૌરવ અને પહાડોની પરી તરીકે જાણીતા મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂત નાની વયે મોટી સિદ્ધિ મેળવી છે. મોરબી મહિલા પોલીસ બેડામાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂતનો જન્મ મોરબીના ચાંચાપર ગામે થયો હતો. દુર્લભજીભાઈ ભૂત એક ખેડૂત હોય ખેડૂત પરિવારમાં જન્મેલી દીકરી અન્ય દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. બી.એસ.સી. બી.ફાર્મ સુધીનો અભ્યાસ કરી, તેઓ આરોગ્ય વિભાગમાં જોડાવવાના બદલે નાનપણથી જ ખાખી વરદી પ્રત્યે લગાવ હોય પોલીસ વિભાગમાં જોડાયા, અને ગિરનાર સર કર્યા બાદ હમણાં જ તેઓએ વિશ્વનું આઠમા નંબરનું માઉન્ટ મનાસલુંનું આરોહણ કર્યું અને હવે તેઓ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવા સજ્જ બન્યા છે. ભૂમિકાબેન ભૂત આગામી 25 મી માર્ચ – 2023થી વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવા અને વધુ એક સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરવા સજ્જ થયા છે .

26 જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા

મહિલા કોન્સ્ટેબલે અનેક વખત ગિરનારની આરોહણ અવરોહણની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેઓએ પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. જેમાં તેઓએ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાથી સ્પોર્ટ્સની શરૂઆત કરી ગિરનારથી માંડી પોલીસ ડીજીપી કપ, ઓલ ઈન્ડિયા એથ્લેટીક્સ, ખેલ મહાકુંભ, મેરોથોન જેવી દોડ સ્પર્ધામાં 26 જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે

સફળતાની ચાહત નથી મને, હું તો ખાલી અવસરને ઝંખું છું

મહિલા કોન્સ્ટેબલે ગિરનાર સર કરવાની સાહસિક પ્રવૃત્તિનું પુસ્તક બનાવ્યું છે. તાજેતરમાં જ એમનું પુસ્તક હૈયું, હામ ને હિમાલય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ વિભાગના વડાઓના વરદ હસ્તે વિમોચન કરાયું હતું. ભૂમિકા માટે સોને મઢેલી પોલીસ વુમન,મૌતના પહાડ મનાલુ સર કરનાર, ગિરનાર આરોહણ અવરોહણ ચેમ્પિયન, ગોલ્ડન ડોટર ઓફ સિરામિક સીટી, સ્વયંસિદ્ધા,કર્મવીર જેવા સન્માન પ્રાપ્ત કરનાર ભુમિકાબેનના જીવન કવન પર આધારિત એમની રોમાંચક સાહસિક સફરની કહાની ભૂમિકાની કલમે લખાયેલ પુસ્તક હૈયું,હામને હિમાલય વાંચવા જેવું છે જેમાં એમને સિદ્ધિ માટે શુભારંભ, લડકી હૈ લડ શક્તી હૈ બેઝ કેમ્પ,પહાડની પૂજા,વર્તમાન જ જિંદગી, પુન:પ્રભુચરણ, દુનિયાનો છેડો વગેરે જેવા 49 ઓગણ પચાસ પ્રકરણો પોતાની બળુકી કલમે લખાયેલા આલેખાયેલા છે,એમના જ શબ્દોમાં કહીએ તો.. જીવનથી રોજ કંઈક શીખું છું. અનુભવ ને શબ્દોમાં લખું છું. સફળતાની ચાહત નથી મને, હું તો ખાલી અવસરને ઝંખું છું.

- text

- text