મોરબી પાલિકાના રોજમદાર કર્મચારીઓને પગારની હોળી

- text


વોટર વર્ક, ઓફિસ સ્ટાફ, સેનીટેશન, આઉટડોર સહિતના કર્મચારીઓના પગાર બિલમાં પ્રમુખ દ્વારા સહી ન કરવામાં આવતા પગાર અટકી ગયા

મોરબી : રાજકારણની આટીઘુંટીમાં મોરબી નગરપાલિકાના સેંકડો રોજમદાર કર્મચારીઓને પગાર ચુકવવામાં હોળીએ હોળી સર્જાઈ છે, વોટર વર્ક, ઓફિસ સ્ટાફ, સેનીટેશન, આઉટડોર સહિતના કર્મચારીઓના પગાર બિલમાં પ્રમુખ દ્વારા સહી કરવામાં ન આવતા નાના કર્મચારીઓ પીસાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હાલમાં કાયમી ચીફ ઓફિસરની ગેરહાજરીમાં ઇન્ચાર્જને હવાલે મોરબી નગરપાલિકાનું ગાડું ગબડી રહ્યું છે ત્યારે ચાલુ મહિને નગરપાલિકાના વોટર વર્ક, ઓફિસ સ્ટાફ, સેનીટેશન, આઉટડોર સહિતના જુદા-જુદા વિભાગોમાં કામ કરી રહેલા કર્મચારીઓને પગારના ફાંફા થયા છે, જગજાહેર છે એવા પાલિકાના રાજકારણમાં નાના કર્મચારીઓ તહેવાર સમયે જ ભીંસમાં મુકાયા છે. એકાઉન્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રમુખની સહીને કારણે રોજમદાર કર્મચારીઓના અંદાજે 50 લાખના બિલ અટકી ગયા છે.

- text

બીજી તરફ મોરબી પાલિકાના પ્રમુખે એવું કહ્યું હતું કે, મારી પાસે જેટલા બિલ આવે છે તે તમામમાં સહી કરી દેવામાં આવે છે, પરંતુ રોજમદારોના પગાર બિલ અંગે તેઓએ કોઈ ફોળ પાડ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકામાં હાલમાં શાસકોના બે જૂથ પડી ગયા છે ત્યારે રોજમદારો સાથે અન્ય જૂથના કોઈને કોઈ લોકો સંકળાયેલા હોય પગારબીલ મામલે હાલમાં નગરપાલિકાનું રાજકારણ ગરમાયુ છે.

- text