ગિરનાર આરોહણ અને વીર સાવરકર તરણ સ્પર્ધામાં ઈનામી રકમમાં વધારો

- text


મોરબી : ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ સાહસિક સ્પર્ધાઓ ક્ષેત્રે પણ અગ્રેસર રહે અને દેશને એક નવીન રાહ ચીંધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા અને રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના યુવાઓ સાહસિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષાય અને આવી સ્પર્ધાઓમાં વધુને વધુ ભાગ લે તે માટે વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા અને રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકોની ઈનામી રકમમાં વધારો કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા એક તારાંકિત પ્રશ્નના અનુસંધાને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતાં કહ્યું કે, ગુજરાત અને દેશના યુવાઓ વધુને વધુ સાહસિક બને તે હેતુ આયોજન કરવામાં આવતી વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધામાં ઈનામી રકમ વધારવા માટે વિધાનસભા ગૃહમાં પુછાયેલા એક તારાંકિત પ્રશ્નના જવાબમાં ખાતરી આપી હતી. તેને મંજૂરી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે તાત્કાલિક ધોરણે અગ્રતા આપી છે. જેમાં નાણાં વિભાગનો સત્વરે સહયોગ પ્રાપ્ત થયો અને ૨૪ કલાકની અંદર આ સ્પર્ધાઓની રકમમાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ રીતે અમારી સરકાર ડબલ ગતિએ કામ કરી ગુજરાતને આગળ વધારી રહી છે.

- text