મોરબીમાં બાઈક ધીમુ ચલાવવાનું કહેનાર યુવાન ઉપર ખૂની હુમલો

- text


બે દિવસ પહેલાની માથાકૂટનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને દલવાડી સર્કલ પાસે આંતરી લોખંડના પાઇપથી હુમલો કર્યા બાદ છરી ઝીકી

મોરબી : મોરબીમાં બે દિવસ પહેલા બાઈક ધીમું ચલાવવા બાબતે યુવાને આપેલા ઠપકાનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને દલવાડી સર્કલ પાસે આંતરી લોખંડના પાઇપથી હુમલો કર્યા બાદ છરી ઝીકીને ખૂની હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી – કંડલા બાયપાસ પર આવેલ આનંદનગર પાસેના તુલસીપાર્કમાં રહેતા રમેશભાઈ આણંદભાઈ જીલરીયા (ઉ.વ.38) નામના યુવાને આરોપી ઓમાન અસરફભાઈ ધારાણી અને સલમાન ઉમેશભાઈ ધારાણી સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, બે દિવસ પહેલા ફરિયાદી રમેશભાઈ પોતાના ઘર પાસે રેતી વ્યવસ્થિત કરતા હોય એ દરમિયાન આરોપી ઓમાન અસરફભાઈ ધારાણી પોતાનું બાઈક પુરપાટ ઝડપે લઈને નીકળતા રમેશભાઈને ગટરનું પાણી ઉડતા તેઓએ આરોપીને બાઈક ધીમું ચાલવવાનું કહીને ઠપકો આપ્યો હતો.

- text

આ બાબતનો ખાર રાખી ગઈકાલે સાંજે રમેશભાઈ પોતાના બુલેટ ઉપર પોતાના ઘરે જવા દલવાડી સર્કલ નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ પાછળથી તેમને આંતરી ફરિયાદીને માથાના ભાગે લોખંડના પાઇપથી હુમલો કરી મારી નાખવાના ઇરાદે તેમના પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. હાલ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે કલમ 307 હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text