પકડી શકો તો પકડી લ્યો ! શક્તિ ચેમ્બરમાં 20થી વધુ દુકાનોમાં ચોરી 

- text


સિરામીક પ્લાઝા બાદ તસ્કરોનો વધુ એક સફળ હાથ ફેરો : સિરામીક ટ્રેડર્સનાં હબમાં એક સાથે અનેક દુકાનોમાં ચોરી કરી તસ્કરો લાખોનો દલ્લો ઉસેડી ગયા 

મોરબી : મોરબીમાં તસ્કરોને પોલીસનો જાણે ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે સીરામિક પ્લાઝા બાદ સીરામીક ટ્રેડર્સના હબ ગણાતા શક્તિ ચેમ્બર -1 અને શક્તિ ચેમ્બર -2 કોમર્શિયલ બિલ્ડિંગમાં ગતરાત્રીના તસ્કરોએ આરામથી 20થી વધુ દુકાનોના શટર ઉંચકાવી નિરાંતે ચોરી કરી લાખોનો દલ્લો ઉસેડી ગયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ સીરામીક ટ્રેડર્સના હબ ગણાતા શક્તિ ચેમ્બર -1 અને શક્તિ ચેમ્બર -2 કોમર્શિયલ બિલ્ડિંગને નિશાન બનાવી પેઘી ગયેલા તસ્કરોએ મોરબી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે, તસ્કરોએ શક્તિ ચેમ્બરમાં આવેલ ક્લાઈમેટ સરફેસ, તિરુપતિ ઈમ્પૅક્સ, ૐકાર સીરામીક સહિતની 20થી વધુ ઓફિસ અને દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સીરામીક ટ્રેડિંગ કરતા દુશ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું.

- text

વધુમાં સિરામીક પ્લાઝા બિલ્ડિંગમાં થયેલ ચોરીની ઘટનાને હજુ અઠવાડિયું પણ થયું નથી ત્યાં જ શક્તિ ચેમ્બર -1 અને શક્તિ ચેમ્બર -2 કોમર્શિયલ બિલ્ડિંગને નિશાન બનાવી તસ્કરો એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવતા સીરામિક ટ્રેડિંગનો ધંધો કરતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને દારૂ જુગારની બદી ઉપર ધોંસ બોલાવતી પોલીસે તસ્કરોને પકડવા પણ કડક કાર્યવાહી કરે તેવી વેપારીઓ માંગ ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શક્તિ ચેમ્બર -1 અને શક્તિ ચેમ્બર -2 કોમર્શિયલ બિલ્ડિંગમાં સિરામીક ટ્રેડર્સ મોટાપાયે ડોમેસ્ટિક અને ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા હોય દરેક ઓફિસમાં વધતા ઓછા પ્રમાણમાં રોકડ સિલકે રાખવામાં આવતી હોવાનું અને કેટલીક દુકાનો ઓફિસોમાં તો લાખો રૂપિયા રોકડ પડી રહેતી હોય ચોરીના આ બનાવમાં લાખો રૂપિયાની રોકડ તસ્કરો ઉઠાવી ગયા હોવાનું વેપારીઓએ અંતમાં રોષભેર જણાવ્યું હતું.

 

 

- text