મોરબીમાં 50 દુકાનો-ઓફિસોના તાળા તૂટવાની ઘટનામાં કોઈ ફરિયાદ નહિ : પોલીસ તપાસનો ધમધમાટ

- text


બી ડિવિઝન અને એલસીબીની ટીમોએ તસ્કરોની ભાળ મેળવવા તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં બુધવારે રાત્રે પોલીસને બદલે તસ્કરો નાઈટ કોમ્બિંગમાં નીકળ્યા હોય તેવા ઘાટ વચ્ચે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સિરામીક પ્લાઝા-1 અને 2માં તસ્કરોએ એક સાથે 50 જેટલી દુકાનો – ઓફિસોના તાળા તોડી સિરામીક ટ્રેડર્સના ધંધાકીય સ્થળને નિશાન બનાવતા સનસનાટી મચી હતી. જો કે, સામુહિક ચોરીના આ બનાવમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી. પરંતુ પોલીસે તસ્કરોને ઝેર કરવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

- text

મોરબી – વાંકાનેર હાઇવે ઉપર આવેલ સિરામીક પ્લાઝા -1 તેમજ સિરામીક પ્લાઝા -2 નામના કોમર્શિયલ બિલ્ડિંગમાં બુધવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને એક સાથે 50 જેટલી દુકાનો અને ઓફિસોના શટર ઉંચા કરી તેમજ એલ્યુમિનિયમ સેક્સનના દરવાજા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીરામીકના વેપારીઓએ જણાવ્યું હતું. આ બનાવના એક તસ્કર ચોરી કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. જો કે એકસાથે આટલા મોટા પ્રમાણમાં દુકાનોના શટર તૂટતાં પોલીસના કહેવાતા નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ ઉઠ્યા હતા અને આ ચોરીની ઘટના અંગે બી ડિવિઝન પીઆઇ દેકાવડીયાએ જણાવ્યું હતું કે, આ સીરામીકને લાગતો દુકાનો અને ઓફિસોમાં મોટાભાગે રોકડ ઓછી રહેતી હોય તેમાં નાની મોટી રકમ કે અન્ય વસ્તુઓની ચોરી થઈ છે. તેથી કોઈ ફરિયાદ કરવા આગળ આવ્યું નથી. પણ આવડી મોટી ઘટના હોય તસ્કરોના પડકારને પહોંચી વળવા માટે બી ડિવિઝન અને એલસીબી સહિતની ટીમો તપાસમાં કામે લાગી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે.

- text