સોનું ધોવાના બહાને છેતરવા આવેલો ગઠિયો ઝડપાયો, એક ફરાર 

- text


હળવદના ટીકર રણ ગામે બનેલી ઘટનાની જાણ થતાં પોલીસે દોડી, તપાસનો ધમધમાટ 

હળવદ : હળવદના ટીકર રણ ગામે બે હિન્દી ભાષી શખ્સોને સોનું ધોવાના બહાને સોનુ કટકટાવી લેવાનું ભારે પડ્યું હતું. બન્ને ગઠિયાઓએ સોનાનો ચેન ધોવા માટે કેમિકલ નાખતા ચેન તૂટી જવાથી આ બન્ને શખ્સોની ઠગાઈ કરવાના કારાસ્તાનનો ભાંડાફોડ થયો હતો અને ગ્રામજનોએ એક શખ્સને દબોચી લીધો હતો જ્યારે બીજો શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના છેવાડાના ટીકર રણ ગામે આજે બપોરે બે હિન્દી ભાષી શખ્સો સોનું ધોઈ દેવાના બહાને બાઈક લઈને ઘુસ્યા હતા અને ગામમાં રહેતા વલીભાઈ પાયકના ઘરે જઈને તેમનો સોનાના ચેઇન ધોઈ દેવાનું કહ્યું હતું. આથી વલીભાઈએ પોતાનો દોઢ તોલાનો સોનાનો ચેઇન ધોવા માટે આ બન્ને શખ્સોને આપ્યો હતો. પરંતુ બન્ને શખ્સોએ સોનાનો ચેઇન ધોવાના બહાને સોનું ઓગળવા માટે તપેલાંમાં કેમિકલ નાખ્યું હતું અને જેવું કેમિકલ તપેલાંમાં પડતા સોનાના ચેઇનના કટકા થઈ જતા આ બન્ને શખ્સોની સોનું ઓગાળી લેવાની મેલી મુરાદના ધજાગરા થયા હતા.

- text

જો કે ભોગ બનનાર આ ગાઠીયાઓને પારખી ગયા હતા અને સોનું ઓગાળીને લૂંટવાવાળા હોવાની ખબર પડતાં વલીભાઈએ દેકારો કરી મુકતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને ગ્રામજનોએ એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બીજો શખ્સ ગ્રામજનોની ઝપટે ચઢે એ પહેલાં જ ઉભી પૂછડીયે નાસી છૂટ્યો હતો. આ બનાવની ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.

- text