જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા મોરબીમાં સેંકડો વિધાર્થીઓ પરેશાન

- text


 

પરીક્ષા રદ થવાથી પરત જવા વિધાર્થીઓ નીકળ્યા પણ સરકારની જાહેરાત હોવા છતાં જુના બસ સ્ટેન્ડમાં બસ ન ઉપડતા હજારો વિધાર્થીઓની સાથે લોકો પણ અટવાયા

મોરબી : મોરબી સહિત ગુજરાતભરમાં ગુજરાત સેવા પંસદગી મંડળ દ્વારા આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા શરૂ થાય એ પહેલાં જ પેપર ફૂટી જતા આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને દૂર દૂર બીજા શહેરોમાંથી પરીક્ષા આપવા આવેલા વિધાર્થીઓ નિરાશ થઈ ગયા હતા અને પરત જવા નીકળ્યા હતા. પણ હોલ ટિકિટ બતાવશે તો બસમાં તેમને બેસવાડવાની સરકારની જાહેરાત છતાં મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે બસ જ ન ઉપડતા હજારો વિધાર્થીઓ અને અન્ય મુસાફરો પરેશાન થઈ ગયા હતા.

મોરબી જિલ્લાના 62 કેન્દ્રો પર આજે ગુજરાત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનાર હતી.જેમાં આશરે 11 હજાર જેટલા ઉમેદવાર પરીક્ષા આપવાના હતા. તંત્રએ પરીક્ષા અપનાર વિધાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરી નાખી હતી અને ધ્રોલ, જોડિયા, જામનગર સહિતના અન્ય શહેરોના મોટી સંખ્યામાં વિધાર્થીઓ મોરબી આ પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર અચાનક લીક થઈ જતા સરકાર દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. તેથી ઘણા દિવસોથી તૈયારી કરીને જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા મોરબી આવેલા વિધાર્થીઓ ભારે નિરાશ થઈ ગયા હતા. આ પરીક્ષા રદ થવાથી ઘણા સમયથી તૈયારી કરતા વિધાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું અને નિરાશ થઈને પરત જવા નીકળ્યા હતા.

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા હજારો વિધાર્થીઓને પરત તેમના શહેર જવા માટે સરકારે જે તે એસટી બસમાં રિસીપ્ટ દેખાડશે તો તેમાં વિનામૂલ્યે બેસાડવાની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી. આથી ઘણા વિધાર્થીઓ જુના બસ સ્ટેન્ડે પહોંચ્યા હતા અને પોતાના શહેર જવા માટેની બસમાં બેઠા હતા. પણ સરકાર તરફથી એસટીને આવો કોઈ આદેશ ન આવતા બસ હજુ ઉપડી જ ન હતી અને વિધાર્થીઓ બસમાં ફસાય ગયા હતા. સાથે અનેક મુસાફરો પણ બસ ન ઉપડતા વિના વાંકે હેરાન થયા હતા. એક તો પરીક્ષા રદ થવાની મોટી નિરાશા અને હવે પરત ઘરે જવા માટે સરકારની જાહેરાત હોવા છતાં બસ ન ઉપડતા વિધાર્થીઓ મુશ્કેલીઓમાં મુકાય ગયા હતા.

- text

- text