રવાપરમાં મંજૂરી વગર ગેસની લાઇન નાખવા મામલે ડીડીઓને રજૂઆત

- text


મંજૂરી વગર ગેસ લાઈન નાખી રસ્તા ખોદી નાખતા ગ્રામ પંચાયત આકરાપાણીએ, ગેસની લાઈન નાખવા માટે જરૂરી પૈસા ભરવા અને ગેસ કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી

મોરબી : મોરબીના રવાપર ગ્રામ પંચાયત હસ્તકના રોડ રસ્તામાં મંજૂરી વગર ગેસની લાઈન નાખી આડેધડ રસ્તા ખોદી નાખતા રવાપર ગ્રામ પંચાયત લાલઘૂમ બની છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર ગેસની લાઈન નાખનાર ગેસ કંપનીને નોટિસ આપી ગેસની લાઈન નાખવા માટે જરૂરી પૈસા ભરવા ગેસ કંપનીને ગ્રામ પંચાયતમાં ભરાવવા અને ગેસ કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી છે.

- text

રવાપર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી કે, મોરબી શહેરને અડીને આવેલ રવાપર ગામ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે રવાપર ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસની લાઈન નાખવામાં આવી છે. સરકારના પરિપત્ર મુજબ ગ્રામ પંચાયતમાં ગેસની લાઈન નાખવા માટે મજૂરી સાથે જરૂરી રકમ ભર્યા વગર રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. પણ ગેસ કંપનીના કર્મચારીઓ અમારે પૈસા ભરવાના ન હોય તેવું કહીને ગેસની લાઈન નાખી રસ્તાની પથારી ફેરવી દીધી છે. તેથી ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત નિયમ હજુ અમલમાં છે કે કેમ ? તેવો સવાલ ઉઠાવી જો આ નિયમ મુજબ ગેરકાયદે કામ થયું હોય તો એ કામ કરવા બદલ ગ્રામ પંચાયતમાં પૈસા ભરવા ગેસ કંપનીને હુકમ કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ડીડીઓ સમક્ષ માંગ ઉઠાવી છે.

- text