પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ : ગુરુવારે અક્ષરધામ દિનની ઉજવણી કરાઈ

- text


પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા ભારતીય સંસ્કૃતિના અભૂતપૂર્વ સીમાચિહ્નો એટલે ગાંધીનગર અને દિલ્લીના સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરો

મોરબી: આજરોજહ 12 જાન્યુઆરી ને ગુરુવારના રોજ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અક્ષરધામ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો હતો. સંવાદ, વીડિયો, વક્તવ્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના અદ્વિતીય સર્જન અક્ષરધામના સર્જન અને પ્રભાવને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સ્વામિનારાયણ અક્ષરધામ એટલે ભગવાન સ્વામિનારાયણને અંજલિરૂપે રચાયેલ અને ભારતનાં પવિત્ર મૂલ્યો અને પ્રદાનો, મહાન આત્માઓ અને વ્યક્તિત્વો, પ્રચંડ પુરુષાર્થ અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ! પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યમુના કિનારે મંદિર બનાવવાના સંકલ્પને પ્રમુખસ્વામી મહારાજે ૩૨ વર્ષની અપાર ધીરજ અને કઠોર પુરુષાર્થ દ્વારા સાકાર કર્યો હતો.બી.એ.પી.એસના પૂ. આદર્શજીવનસ્વામીએ ‘પ્રમુખચરિતમ’ વ્યાખ્યાનમાળામાં જણાવ્યું,“નગરના પ્રવેશમાં માળા કરતી પ્રમુખસ્વામી મહારાજની હસ્તમુદ્રા એ પ્રમુખસ્વામી મહારાજની ભજનાનંદી શૈલીનો પરિચય કરાવે છે. સંત દ્વાર પ્રમુખસ્વામી મહારાજની સર્વધર્મ પ્રત્યેની ઉદારતા અને સમભાવનાનો પરિચય કરાવે છે.

મહામૂર્તિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની પરોપકારની ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજની કલા કુશળતાનું દર્શન કરાવે છે. ‘મહોત્સવ પૂર્ણ પુરુષ કા’ શૉ પ્રમુખસ્વામી મહારાજ એક પૂર્ણ પુરુષ હતા તે દર્શાવે છે. પ્રમુખસ્વામી મહારાજે દેશ પરદેશમાં વિચરણ કર્યું છે, પરંતુ તેમનું મન ભગવાનના ચરણાવિંદમાં જ રહેતું. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અનાસક્તિ અને આત્મીયતાનો સુભગ સમન્વય જોવા મળતો હતો. અનેક અગ્રણીઓએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.”બી.એ.પી.એસના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપસ્વામીએ જણાવ્યું,“ગાંધીનગર અને દિલ્લી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજનું કલા કુશળતા અને સૂઝના ઉત્તમ ઉદાહરણ છે, કારણકે અક્ષરધામના બાંધકામમાં કણ કણમાં તેમના અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શન રહેલાં છે, જેમાં અક્ષરધામમાં વપરાયેલો પત્થર હોય કે કળશ, ઘુમ્મટ હોય કે પરિક્રમા, મૂર્તિઓ અને સિંહાસન વગેરે તમામ બાબતોમાં પ્રમુખસ્વામી મહારાજે માર્ગદર્શન આપેલું છે. અક્ષરધામના દર્શન કરીને સૌ સ્વીકારે છે કે ભગવાનના આશીર્વાદ અને શક્તિ સિવાય આ કાર્ય શક્ય જ નથી.”

બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને ગાંધીનગર તથા દિલ્લી અક્ષરધામ નિર્માણની તથા હાલ નિર્માણાધીન ન્યૂજર્સી અક્ષરધામની મુખ્ય જવાબદારી સંભાળનાર વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણસ્વામીએ જણાવ્યું,

“યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે ‘યમુના કિનારે મંદિર બનાવવું છે ‘ અને પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કરીને એ સંકલ્પ પૂર્ણ કર્યો છે. અમેરિકાના રોબિન્સવિલમાં અક્ષરધામ નિર્માણનો સંકલ્પ પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો અને ૯૪ વર્ષની જૈફ વયે પણ અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અમેરિકા જઈને શિખરબદ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને અક્ષરધામ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને સનાતન હિંદુ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો છે. અમેરિકામાં આવનારી પેઢીઓને હિન્દુ ધર્મ શું છે અને હિન્દુ સંસ્કૃતિ શું છે તેનો પરિચય રોબિન્સવિલ અક્ષરધામના દર્શન કરીને થશે કારણકે આ અક્ષરધામ હિન્દુ ધર્મનું ગૌરવ અને પ્રતિક બનવાનું છે.”

રૉબિન્સવિલ, ન્યૂજર્સીના મેયર માનનીય ડેવિડ ફ્રેડ દ્વારા ન્યૂજર્સીમાં નિર્માણાધીન અક્ષરધામના સર્જન માટે અને પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

આજની સભામાં આમંત્રિત મહાનુભાવો તરીકે ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી – ભારત સરકાર, ડો. એલ મુરુગન, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી, અરાગા જ્ઞાનેન્દ્ર, ગૃહ મંત્રી – કર્ણાટક સરકાર માનનીય હ્યુગો જેવિયર ગોબ્બી – ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત,ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા, આચાર્ય ભાઈશ્રી – સાંદીપનિ આશ્રમ,સ્વામી શાંતાત્માનંદજી, સેક્રેટરી રામકૃષ્ણ મિશન, ડો. ચિન્મયભાઈ પ્રણવભાઈ પંડ્યા, અધ્યક્ષ – વૈશ્વિક ગાયત્રી પરિવાર, બાબા દવિન્દર સિંહજી, પ્રમુખ – કલગીધર સોસાયટી, બરુ સાહિબ, ડી.આર. કાર્તિકેયન, ભૂતપૂર્વ ડિરેક્ટર – સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), સુનીલ અરોરા – ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, કે રામાસામી – ચેરમેન – રૂટ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિ, બ્રિગેડિયર રાજ સીથાપથી – બ્રિગેડિયર – ભારતીય સેના, કિશોર બિયાની – સ્થાપક અને સીઈઓ – ફ્યુચર ગ્રુપ, સુનિલ હાલી – પ્રમોટર – સાઉથ એશિયન મીડિયા, માર્કેટિંગ અને એન્ટરટેઇનમેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આમંત્રણ આપવા માટે મહંતસ્વામી મહારાજનો ખૂબ ખૂબ આભાર. લોકો કહે છે કે, ‘ભગવાનના આમંત્રણ વગર આવી શકાતું નથી’ આજે એમના જ આમંત્રણથી હું આજે અહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ઉપસ્થિત રહી શક્યો છે. આ ૬૦૦ એકરમાં રચાયેલ પ્રમુખસ્વામી મહારાજ નગર અને તેમાં આવેલા દરેક વિભાગો પી.એચ.ડી.નો વિષય બની શકે છે તેવું ભવ્ય અને દિવ્ય આ નગર છે.”

પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી ડો. એલ મુરુગને જણાવ્યું કે, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હાજર રહેવા મળ્યું તે મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. દિલ્હી અક્ષરધામના દર્શન કરીને મેં અનુભવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિ માટે અતુલ્ય યોગદાન આપ્યું છે. ૨૦૦૪ માં સુનામી આપત્તિ વખતે બી. એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાએ ૩ ગામ દત્તક લઈને તેમને ફરીથી બેઠા કર્યા હતા તે માટે હું તેમનો જીવનભર ઋણી રહીશ.”

ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત માનનીય હ્યુગો જેવિયર ગોબ્બીએ જણાવ્યું કે, “હું મહંતસ્વામી મહારાજ અને આ સંસ્થાનો આભારી છું મને આમંત્રણ આપવા માટે. આર્જેન્ટિના દેશ અને ત્યાંના નાગરિકો વતી હું આપ સૌને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે શુભેચ્છા પાઠવું છું કારણકે તેઓ એક આદર્શ નેતા હતા જેમણે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપ્યો છે અને સમગ્ર જીવન સમાજ સેવાના કાર્યોમાં વ્યતીત કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે આપેલા આદેશ અને મૂલ્યોએ સમગ્ર વિશ્વના લોકોને પ્રભાવિત કર્યા છે.”

સાંદિપની આશ્રમના ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે “પ્રમુખસ્વામી મહારાજને જે કોઈ પણ એક વાર મળ્યું છે તે આત્મીયતાપૂર્વક સમર્પિત થયા છે. પ્રમુખસ્વામી મહારાજને “બાપા” કહીએ ત્યારે વાત્સલ્યના વડલાની અનુભૂતિ થાય એવા વિરલ હતા. પ્રમુખસ્વામી મહારાજની આત્મીયતા એટલી અદ્ભુત હતી કે ગામડાના આદિવાસીથી લઇને દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ સુધી બધા જ આત્મીયતાથી જોડાઈ ગયા છે.

- text

આ પ્રમુખસ્વામી મહારાજ નગર પણ એક કુંભ મેળા સમાન જ લાગે છે કારણકે આ પ્રેરણાનો કુંભ છે અને આ નગરમાં આવનાર વ્યકિત પ્રેરણા લઈને જ ઘરે જાય તેવું દિવ્ય અને ભવ્ય આ નગર છે. પ્રમુખસ્વામી મહારાજે તેમના પ્રેમ અને વાત્સલ્યથી અનેક લોકોને વ્યસનમુક્ત કરીને તેમના જીવનને ઉજ્જવળ બનાવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજને જ્યારે પણ જોઈએ ત્યારે “સૌમ્યતા જાણે શરીર ધારણ કરીને બેઠી હોય” તેવી અનુભૂતિ થાય છે. પ્રમુખસ્વામી મહારાજે વાત્સલ્યના વડલાથી વિશ્વનાં અનેક લોકોને છાંયા આપી છે. અત્યારે ન્યૂજર્સીમાં અક્ષરધામ બની રહ્યું છે. આ મંદિરો ભારતની સંસ્કૃતિ અને સભ્યતા તેમજ સનાતન હિન્દુ ધર્મ વગેરેનું દર્શન કરાવવા માટે છે.”

ગાયત્રી પરિવારના અધ્યક્ષ ડો. ચિન્મયભાઈ પ્રણવભાઈ પંડ્યાએ જણાવ્યું કે, “આજે ગાયત્રી પરિવાર એ અક્ષરધામ પરિવાર સાથે અહીં ઉપસ્થિત છે. જ્યારે ગાયત્રીના સાધક શિખર પર હોય ત્યારે તેઓને અક્ષરધામની અનુભૂતિ થાય છે તેમ સ્વામીઓમાં સ્વામી શિખર પર હોય ત્યારે તેઓ પ્રમુખસ્વામી તરીકે ઓળખાય છે. પ્રમુખસ્વામી મહારાજમાંથી લાખો લોકોએ પ્રેરણા લઈને પોતાનું જીવન પરિવર્તન કર્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરની ભૂમિ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ભૂમિ છે. દિલ્હી અક્ષરધામની સ્થાપના વખતે ડોક્ટર સાહેબ પ્રણવભાઈ એ કહ્યું હતું કે , ‘ દુનિયામાં માત્ર ૨ પ્રકાર ના જ લોકો હોય શકે , એક જેમણે અક્ષરધામના દર્શન કર્યા છે અને બીજા એ જેમણે અક્ષરધામના દર્શન નથી કર્યા’. અત્યારે સુધી હું દ્વિતીય શ્રેણીમાં હતો પરંતુ આજે અહી આવીને હું પ્રથમ શ્રેણીમાં આવી ગયો છું કારણકે અહી સાક્ષાત્ અક્ષરધામના દર્શન થઈ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિ એવી હતી કે આજે ૧૨૦૦ મંદિરોના શિખર ઝળહળી રહ્યા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ લઈને લોકો ઘરે જશે.”

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડી.આર. કાર્તિકેયને જણાવ્યું કે, “આજે મને કુંભમેળાની અનુભૂતિ થઈ રહી છે કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે અને અહી સેવા કરનાર ૮૦,૦૦૦ સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનભર વિચરણ કર્યું છે, લાખો પત્રો લખ્યા છે, અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા છે અને લાખો લોકોના દિલમાં સ્થાન પામ્યા છે અને તેના કારણે જ આજે ૮૦,૦૦૦ સ્વયંસેવકો પ્રેમભાવથી અહી સેવા અને સમર્પણ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે મને દિલ્હી અક્ષરધામમાં આશીર્વાદ આપ્યા હતા અને તેમની આંખોમાં અનોખી કરુણા અને નમ્રતા જોવા મળતી હતી. પ્રમુખસ્વામી મહારાજે ઘરસભા અને વ્યસનમુક્તિ દ્વારા સમગ્ર વિશ્વમાં અનોખી ક્રાંતિ કરી છે.”

સાઉથ એશિયન મીડિયા, માર્કેટિંગ અને એન્ટરટેઇનમેન્ટના પ્રમોટર સુનિલ હાલીએ જણાવ્યું, “દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મૃત્યુ પછી સ્વર્ગમાં જવા મળે પરંતુ આજે મને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને જ્યાં જોઉં ત્યાં બધે જ મને સાક્ષાત્ સ્વર્ગની અનુભૂતિ થાય છે. પ્રમુખસ્વામી મહારાજે મને જીવનના દરેક તબક્કે તેમનો સાથ આપ્યો છે તે માટે હું તેમનો ઋણી છું. આપણે જો પ્રમુખસ્વામી મહારાજે આપેલા સૂત્ર ‘ બીજાના ભલામાં આપણું ભલું ‘ એ જીવન ભાવના સાથે જીવીશું તો આપણું જીવન બદલાઈ જશે.”

રામકૃષ્ણ મિશનના સેક્રેટરી પૂજ્ય સ્વામી શાંતાત્માનંદજીએ જણાવ્યું કે, “આજે વિવેકાનંદજી મહારાજે સમગ્ર દેશમાં વિચરણ કરીને કહ્યું હતું કે ત્યાગ અને સેવા એ ભારતનું મૂળ છે. તે રીતે પ્રમુખસ્વામી મહારાજ ત્યાગ અને સેવાનાં મૂર્તસ્વરૂપ હતા. રામકૃષ્ણ મિશન અને બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા વચ્ચે અદ્ભુત સામ્ય અને એકતા છે. આજે હું ભાગ્યશાળી છું કે અહી નગર નિરખવાનો અવસર પ્રાપ્ત થયો. જે કોઈ અહી આવીને આ નગર નિહાળશે તેઓને જ યત્કિંચિત અંદાજ આવી શકશે કે અહી કેવું સર્જન થયું છે.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું તે યુગકાર્ય છે અને તે દ્વારા જ્યાં સુધી પૃથ્વીનું તક રહેશે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ અને અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો પ્રચાર થતો રહેશે. ‘અક્ષરધામમાંથી જીવન ઘડતરની પ્રેરણા મળે’ તે હેતુથી પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ ઉદઘાટન વખતે કહ્યું હતું કે ‘આ અક્ષરધામનું નિર્માણ હરીફાઈ માટે કે પોતાની મોટપ વધારવા સારું નથી કર્યું પરંતુ ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પૂર્તિ માટે કર્યું છે.’ ‘પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિ ખૂબ જ અનોખી હતી અને હું એ વાતનો સાક્ષી છું તેમજ મારી નજરેથી જોયું પણ છે. પ્રમુખસ્વામી મહારાજે ભક્તિભાવ સાથે અક્ષરધામ બનાવ્યા છે અને તેઓ ‘હાલતા ચાલતા અક્ષરધામ ‘ સમાન હતા માટે તેમની ગાથાઓ ગવાતી રહેશે.”

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૧૩ જાન્યુઆરી, ૨૦૨૩, શુક્રવારના રોજ સાંજે 5 થી 7:30 દરમિયાન સંત કીર્તન આરાધના દિનની ઉજવણી કરવામાં આવશે.

 

- text