વ્યાજખોરીના દુષણને ડામી દેવા માટે રેન્જ આઈજીની જનસંપર્ક સભામાં ૧૪ ફરિયાદ નોંધાઈ

- text


મોરબીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારીઓ સહિત ૩૦૦ લોકોની હાજરીમાં રેન્જ આઈજી અને એસપીએ રૂબરૂ ફરિયાદો સાંભળી તાત્કાલીક ધોરણે ૧૪ એફ.આઇ.આર. નોંધી ર૬ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ

મોરબી : મોરબીમાં પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ, રાજકોટની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરાયું હતું. જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારીઓ સહિત ૩૦૦ લોકોની હાજરીમાં રેન્જ આઈજી અને એસપીએ રૂબરૂ ફરિયાદો સાંભળી તાત્કાલીક ધોરણે ૧૪ એફ.આઇ.આર. નોંધી ર૬ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી અને વ્યાજખોરોના ચુગાલમાં ફસાયેલા લોકોને હજુ પણ આગળ આવવાની અપીલ કરી વ્યાજખોરો સામે હજુ પણ વધુ કડક પગલાં ભરવા માટે આ કડક ઝુંબેશ ચાલુ રાખી મોરબીમાંથી વ્યાજખોરીના દુષણને નેસ્તેનાબુદ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસામાજીક પ્રવૃતિ કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના શુભ આશયથી માનનીય રાજયકક્ષાના ગૃહમંત્રીએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજયમાં ઝુંબેશ શરૂ કરવા સુચના આપી હોવાથી આ સુચના અનુસંધાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના મુજબ તા.૫ થી તા.૩૧ જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાત રાજયમાં વ્યાજખોરી નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેથી સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઇસમો વિરુધ્ધ અસરકારક કામગીરી થઇ શકે તેમજ સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા માટે તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે લોકોમાં જાગૃતી કેળવવા તથા વ્યાજખોરી અંગે લોકોની ફરીયાદો સાંભળી આવી પ્રવૃતિ કરતા ઇસમો સામે તાત્કાલીક પગલા લેવાના ઉદ્દેશથી આજે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે ખાતે અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટની અધ્યક્ષતામાં મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા પોલીસની આગેવાનીમાં એક વિશાળ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતુ.

જનસંપર્ક સભામાં નાના ફેરીયાઓ લારી ગલ્લાવાળાઓ, શાકભાજીવાળા, વેપારીઓ તેમજ ખેડુતો કે જેઓ આ વ્યાજખોરીની ચુંગલમાં ફસાતા છે. તેવા આશરે ૩૦૦ નાગરીકો ભેગા થયેલ હતા. તેમજ મીડીયા કર્મચારીઓ પણ હાજર રહેલ હતા. તેમજ મોરબી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કામર્ચારીઓ હાજર રહ્યા હતા. આ જનસંપર્ક સભામાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો ખુલ્લીને સામે આવે અને વધુને વધુ ગુનાઓ દાખલ કરાવવા હાકલ કરી હતી. તેમજ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ગુજરાત સરકાર દ્વારા નવુ કદમ લેવામાં આવેલ છે તે અંગેની વિગતવાર સમજણ આપી હતી. મોરબી જીલ્લા રજીસ્ટાર ડી.વી.ગઢવી, જીલ્લા ઉદ્યોગ અધિકારી વી.આર.દેત્રોજા, એસ.બી.આઇ. બેંકના AGM શ્રી પંકજકુમાર તથા એક્ષીસ બેંકના મેનેજર વીરેન્દ્રસીંહ જાડેજા નાઓએ હાજર રહી વ્યાજખોરી વિરુદ્ધના કાયદાની વિસ્તૃત સમજ આપેલ હતી.

જનસંપર્ક સભામાં એસ.બી.આઇ., બેંક ઓફ બરોડા, એચ.ડી.એફ.સી. બેંક, એક્ષીસ બેંક, રાજકોટ સહકારી નાગરીક બેંક, રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક, આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સ બેંક, મુથુટ ફાયનાન્સ બેંકોના મેનેજરશ્રી તેમજ કર્મચારીઓએ હાજર રહી ગુજરાત સરકાર દ્વારા હાલમાં લોનની સુવિધા તેમજ સરકારની યોજના માટે હેલ્પ ડેસ્ક રાખીને તેઓને આ યોજનાની વિસ્તૃત સમજ કરવામાં આવેલ હતી. આ જનસંપર્ક સભામાં આવેલા નાગરીકોએ અલગ અલગ કુલ – ૧૮ રજુઆતો કરેલ હતી. જે રજુઆત આધારે આજે Illegal Money-Lending કલમ હેઠળ તાત્કાલીક ધોરણે ૧૪ એફ.આઇ.આર. નોંધી ર૬ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બાકીની રજુઆતો બાબતે કાર્યવાહી ચાલુ છે.

- text

- text