મોરબીમાં ઉતરાયણ ફીવર, ઠેરઠેર પતંગ-દોરીના સ્ટોલ ધમધમ્યા

- text


ઉતરાયણ પહેલા પતંગ ચગાવવાનું શરૂ થતા પંગત અને દોરીની ડિમાન્ડ નીકળી, ઉતરાયણ માટે અત્યારથી દોરીને માંજો પાવાનું અને વિવિધ જાતની પતંગોની ખરીદી શરૂ કરી દીધી

મોરબી : અબાલ વૃદ્ધ સહિત સૌનો પ્રિય એવા મોજીલા ઉતરાયણ પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં ભારે ઉતરાયણ ફીવર જામ્યો છે. શહેરમાં ઠેર- ઠેર પતંગ અને દોરીના સ્ટોલ ધમધમી ઉઠ્યા છે. મોટાભાગના બાળકોએ ઉતરાયણ પહેલા જ પતંગ ચગાવવાનું શરૂ કરી દેતા પતંગ અને દોરીની ખરીદી ધીરે-ધીરે જામી રહી છે. ઉતરાયણ માટે અત્યારથી બાળકો તેમજ યુવાનોએ દોરીને માંજો પાવાનું અને વિવિધ જાતની પતંગોની ખરીદી શરૂ કરી દીધી છે. એકંદરે શહેરમાં ઉતરાયણ પર્વને લઈને ભારે આનંદ ઉલ્લાસ જોવા મળ્યો છે.

મોરબીમાં છેલ્લા બે દાયકાથી ઉત્તરોતર વધી રહેલું ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું મહત્વ હવે મોટા શહેરોની જેમ જામી ગયું છે. હવે દરેક આગાશીએથી આભની અટારીએ પતંગ યુદ્ધ જામે છે અને આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાય જાય છે. જો કે, ઉતરાયણ નજીક હોય શહેરની મુખ્ય બજારથી લઈને શેરી ગલી સહિતની તમામ વિસ્તારોમાં પતંગ અને દોરીનો મોટા જથ્થા સાથે સ્ટોલો ખડકાઈ ગયા છે. મુખ્ય માર્કેટ સહિત જ્યાં જુઓ ત્યાં પતંગ અને દોરીનો ભરપૂર ખજાનો જોવા મળે છે પતંગમાં કાગળ અને પ્લાસ્ટિકમાં નવી વેરાયટીઓ આવી છે. એજ રીતે દોરી પણ વિવિધ પ્રકારની મજબૂત અને એકબીજાથી ચડિયાતી જોવા મળે છે. સ્ટોલમાં એક અનોખા પ્રકારના સાઇકલની રિંગથી બનાવેલા ચાકડામાં કાચ, સાબુદાણા અને કલરથી દોરી પાઈને મજબૂત બનસવાનું કામ ધમધમી રહ્યું છે. ઉતરાયણ પહેલા જ આકાશમાં પતંગો ઊડતી જોવા મળી રહી છે. જો કે ચાઈનીઝ તુંકકલ અને દોરીની મનાઈ હોવાથી બજારમાં આ વસ્તુઓ ક્યાંય જોવા મળતી નથી. પતંગ અને દોરીમાં ધીરેધીરે ખરીદીનો માહોલ જામી રહ્યો છે.

ઉતરાયણમાં શેરડી, બોર, ઝીઝરા, તલ, મમરાના લાડુ, વિવિધ જાતની ચીકી ખાવાની વર્ષોથી પરંપરા હોવાથી બજારમાં આ તમામ ચીજવસ્તુઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત હમણાંથી ઉતરાયણમાં પરંપરાગત ખીચડાનું સ્થાન ઉંઘીયાએ લઈ લેતા આ વખતે ઠેરઠેર હોટલથી માંડીને દુકાનોમાં સ્પે. ડિસ્કાઉન્ટ સાથે ખાસ પ્રકારનું ઊંધિયુંનો મોટા સ્ટોક ઉપલબ્ધ કરવાની તૈયારી ચાલી રહી છે. જેમ જેમ ઓર્ડર મળતા આ ઊંધિયું બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. મોટાભાગના લોકો ઉતરાયણમાં તૈયાર ઊંધિયું જ ખરીદતા હોવાથી આ વખતે પણ ઉંઘીયાની મોટી ડિમાન્ડ નીકળશે.

બીજી બાજુ દાન પુણ્યનો પણ મહિમા હોવાથી લોકો ગાયોને ઘાસચારો અને અન્નનું દાન કરશે. જો કે વધુ અન્ન ખાવાથી ગાયોને આફરો ચડી જતો હોય પર્યાપ્ત માત્રામાં જ દાન કરવાની અપીલ કરાઈ છે. ઉપરાંત દરેક ઘરે બાળકોને પ્રસાદી રૂપે શેરડી, બોર, જીંજરા, તલ, મમરાના લાડુ, વિવિધ જાતની ચીકી વહેવામાં આવશે. જ્યારે ઉતરાયણમાં કાતિલ દોરીથી પક્ષીઓ તેમજ રસ્તે લોકોને પણ ઇજા થતી હોય વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ સરકારની કરુણા હેલ્પલાઇન શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવશે.

- text

- text