મોરબી નગર પાલિકા સુપરસીડ કરવા સરકારમાં દરખાસ્ત

- text


સંદેશ દૈનિકપત્રના અહેવાલ મુજબ ઝૂલતા પુલ કેસ પ્રકરણમાં પ્રાદેશિક કમિશનરની દરખાસ્તને પગલે સરકાર ગમે ત્યારે નિર્ણય જાહેર કરે તેવી શક્યતા

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થવા મામલે હાલમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટ પિટિશન સંદર્ભે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ હવે પ્રાદેશીક કમિશનર કચેરી દ્વારા રાજ્ય સરકારમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા દરખાસ્ત કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

સંદેશ દૈનિકપત્રના અહેવાલમાં જણાવ્યા મુજબ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવા મામલે રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટ પિટિશનની કાનૂની કાર્યવાહી દરમિયાન મોરબી નગરપાલિકાના 52 સદસ્યોમાંથી 49 સભ્યોએ નગરપાલિકાને સુપરસીડ ન કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવવાની સાથે નામદાર કોર્ટ સમક્ષ પણ ગુહાર લગાવી હતી. જો કે નામદાર કોર્ટ દ્વારા સરકાર પગલાં ભારે ત્યાર બાદ સભ્યોને ન્યાય માટે આવવા કહેવામાં આવ્યું હતું.

- text

દરમિયાનમાં બીજીબાજુ રાજ્ય સરકારે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી તેમનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે.મુછારને સોંપ્યો છે. જ્યારે નગરપાલિકાના સદસ્યો પ્રત્યે લોકોની નારાજગી તથા હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અને જાહેરહિતની અરજીને ધ્યાનમાં લઇ રાજ્ય સરકાર વધુ આકરા પગલા લેવા મન બનાવી ચૂકી હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. આ સંજોગોમાં પ્રાદેશીક નગરપાલિકા કમિશનર ધીમંતકુમાર વ્યાસે રાજ્ય સરકારને ગત સપ્તાહમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા દરખાસ્ત કર્યાનું વર્તુળમાંથી જાણવા મળે છે અને ટૂંક સમયમાં આ પ્રકરણમાં રાજ્ય સરકાર મોટો ધડાકો કરે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.

- text