મોરબી જિલ્લામાં 13 હજારથી વધુ દર્દીઓએ આયુષ્યમાન યોજનાનો લાભ લીધો

- text


વર્ષ 2022માં સરકારે ખાનગી અને સરકારી દવાખાનાઓમાં સહાય પેટે 26 કરોડથી વધુ રકમ ચૂકવી

મોરબી : ગરીબ અને મધ્યમવર્ગના આરોગ્ય માટે આશીર્વાદ રૂપ આયુષ્યમાન યોજના હેઠળ મોરબી જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન 13 હજારથી વધુ દર્દીઓએ સારવાર, શસ્ત્રક્રિયા કરાવી હતી અને સરકાર દ્વારા આ યોજના અંતર્ગત મોરબી જિલ્લામા ખાનગી અને સરકારી મળી કુલ 28.86 કરોડથી વધુ રકમની ચુકવણી કરી છે.

મોરબી જિલ્લા આરોગ્યતંત્રના સુત્રોના જણાવ્યા મુજબ આયુષ્યમાન યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગ માટે સરકાર દ્વારા રૂપિયા 5 લાખ સુધીની સારવાર ખાનગી હોસ્પિટલમા આ કાર્ડ ઉપર નિઃશુલ્ક બનાવી છે ત્યારે મોરબી જિલ્લામા કુલ 2.50 લાખ લોકો આ યોજનામાં જોડાયેલા છે. જે પૈકી વીતેલા વર્ષમાં 13 હજાર જેટલા દર્દીઓએ આ યોજનાનો લાભ લીધો હતો.

- text

મોરબીમાં ખાનગી હોસ્પિટલમા મા અમૃતમ યોજના કે આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર કે શસ્ત્રક્રિયા કરાવનાર દર્દીઓની સ્થિતિ જોઈએ તો આયુષ હોસ્પિટલમાં સૌથી વધુ 6983 દર્દીઓએ આયુષ્યમાન યોજના હેઠળ સારવાર લીધી છે જે પેટે સરકારે આ હોસ્પિટલને 21.34 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એ જ રીતે ક્રિષ્ના હોસ્પિટલમાં 1086 લોકોએ આયુષ્યમાન યોજનાનો લાભ લેતા 4.24 કરોડનું બિલ ચુકવવામાં આવ્યું છે.જ્યારે સદભાવના હોસ્પિટલમાં 185 દર્દીઓની સારવાર માટે 37.58 લાખ અને વેદાંત હોસ્પિટલને 155 દર્દીઓની સારવાર માટે 63.32 લાખ ચુકવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે આયુષ્યમાન યોજના અંતર્ગત મોરબી સિવિલ હોસ્પિટલમાં 5229 દર્દીઓએ સારવાર લેતા સરકારે 1.43 કરોડ, વાંકાનેર સિવિલમાં 273 દર્દીઓને સારવાર માટે 82.87 લાખ અને અન્ય સીએચસી તેમજ પીએચસીમા 15 દર્દીઓની સારવાર બદલ રૂપિયા 54 હજાર ચુકવવામાં આવ્યા છે.

- text