વડાપ્રધાનની મોરબી મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરનાર બે વિરુદ્ધ મોરબીમા ગુન્હો નોંધાયો

- text


પ્રાંત અધિકારી ઝાલા દ્વારા સાકેત ગોખલે અને દક્ષ પટેલ નામના શખ્સ વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ ધારા મુજબ ફરિયાદ નોંધવાઈ

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાના ફેક ન્યુઝ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરનાર બે શખ્સ વિરુદ્ધ મોરબી પ્રાંત અધિકારી દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લેવાની સાથે ઘટના સ્થળે પણ ગયા હતા. વડાપ્રધાનની આ મોરબી મુલાકાતને લઈ દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરી મુલાકાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોય તેવા બનાવટી સમાચારના કટિંગની ઇમેજ પણ ટ્વીટર ઉપર શેર કરી હતી જેને પગલે મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાએ ફરિયાદી બની સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં ચુંટણી અધિકારી 65 મોરબી વિધાનસભા મતદાન વિભાગ અને પ્રાંત અધિકારી મોરબી દ્વારા સરકાર તરફ ફરિયાદી બની જણાવાયું છે કે આરોપી દક્ષ પટેલ અને સાકેત ગોખલેએ તા.30 નવેમ્બરના રોજ ચુંટણી આચારસંહીતાના સમયગાળા દરમ્યાન વડાપ્રધાનની ઝુલતાપુલની દુર્ધટના અંગે મોરબી મુલાકાત વિશે ખોટી માહીતી આપતી ટ્વીટ કરી લોકોમા ચુંટણી અનવ્યે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ તેમજ તિરસ્કાર ની ભાવના ઉત્પન થાય તે હેતુથી ખોટી માહીતી આપતી ટ્વીટ કરી ગુન્હો કર્યો છે.

આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દક્ષ પટેલ અને સાકેત ગોખલે વિરુદ્ધ લોકપ્રતિનીધીત્વ એકટ 1951ની કલમ 125 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text