સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવી ટંકારા બેઠકની ચૂંટણીનો રસપ્રદ ઇતિહાસ 

- text


પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 1990માં ચૂંટણી લડી ભાજપની શરૂ કરેલી વિજયકુચને 2017 માં પાટીદાર ફેક્ટરે અટકાવી : ટંકારા બેઠકમાં 13 ચૂંટણીઓ એકમાત્ર મોહન કુંડારિયાનો પાંચ વખત જીતનો રેકોર્ડ

મોરબી : વિશ્વ વિભૂતિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિની ટંકારા બેઠકની વિધાનસભાની ચૂંટણીનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે. ટંકારા બેઠક ઉપર વર્ષ 1962થી અત્યાર સુધીની 13 વિધાનસભાની ચૂંટણીમાં પુરોગામી ધારાસભ્યોમાં એકમાત્ર મોહનભાઇ કુંડારિયાએ પાંચ વખત જીતવાનો રેકોર્ડ ધરાવે છે. જો કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વર્ષે 1990માં ટંકારા બેઠક પર ભાજપની વિજયકુચનો પાયો નાખ્યા બાદ સતત છ ટર્મથી ભાજપનું એકચક્રી શાસન રહ્યું હતું. પણ 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલને ભાજપના એકચક્રી શાસન ઉપર બ્રેક લગાવી દેતા કોંગ્રેસના લલિતભાઈ ધારાસભ્ય બન્યા હતા.

ટંકારા બેઠક ઉપર વર્ષ 1962થી અત્યાર સુધીમાં યોજાયેલી 13 વિધાનસભાની ચૂંટણીઓમાં વર્ષ 1962માં કોંગ્રેસનો દબદબો હોવા છતાં મનોહરસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા અપક્ષ તરીકે લડી ટંકારાના પ્રથમ ધારાસભ્ય બન્યા હતા. પણ પછી કોંગ્રેસનું મોજું આવતા 1967ની ચૂંટણીમાં વી.જે. શાહ નામના મહિલા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીને બીજા ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ 1972ની ચૂંટણીમાં પરિવર્તનની લહેર આવતા ગોવિદભાઈ બોડા અપક્ષ તરીકે લડીને વિજયી થયા હતા અને વર્ષ 1975માં તેઓએ કિશાન મજદૂર લોક પક્ષમાં જોડાઈને આ સીટ ફરી કબ્જે કરી હતી. 1980માં ફરી પરિવર્તનની લહેર આવતા પૂર્વ મંત્રી વલ્લભભાઈ પોપટભાઈ પટેલ અપક્ષ તરીકે લડીને વિજયી થતા તેઓને કોંગ્રેસે વર્ષ 1985માં ટીકીટ આપતા બીજી વખત પણ તેઓ જીતી ગયા હતા.આમ વર્ષ 1962થી 1985 સુધીની ચૂંટણીમાં કોંગ્રેસનું ઓછું અને અપક્ષનું વધુ પ્રભુત્વ રહ્યું છે. જેમાં ત્રણ ધારાસભ્ય અપક્ષ તરીકે લડીને ધારાસભ્ય બન્યા હતા.

- text

વર્ષ 1990ની ચૂંટણીમાં ટંકારા બેઠક ઉપર ભાજપનો ઉદય થયો હતો. પછી ભાજપે પાછું વળીને જોયું જ નથી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 1990માં ભાજપ તરફથી ચૂંટણી લડીને ટંકારા બેઠક પર વિજયકૂચની શરૂઆત કરી હતી. પછી 1995માં ટંકારા બેઠક ઉપર હાલના સાંસદ મોહન કુંડારીયા મેદાનમાં આવ્યા હતા. આ બેઠક પર તેમનું એટલુ પ્રભુત્વ રહ્યું હતું કે ભાજપ તરફથી વર્ષ 1995, 1998, 2002, 2007, 2012ની ચૂંટણીમાં જીતીને સતત પાંચ વખત જીતવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વર્ષ 2014માં મોહન કુંડારિયા રાજકોટમાં ભાજપના સાંસદના ઉમેદવાર તરીકે જાહેર થતા ત્યારે ટંકારામાં પેટા ચૂંટણી આવી પડતા તે વખતે ભાજપના બાવનજી મેતાલિયા ચૂંટણી લડીને વિજયી થયા હતા. પણ વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામતના વાવાઝોડાએ ભાજપના સતત છ ટર્મથી વિજેતા થવાના એકચક્રી શાસનને વેરવિખેર કરી નાખ્યું હતું અને કોંગ્રેસને બગાસું ખાતા પતાસું આવી ગયું હોય એમ છેલ્લી 2027ની ચૂંટણીમાં કોંગ્રેસના લીલીતભાઈ કગથરા ધારાસભ્ય બન્યા હતા. પણ હવે આ ચૂંટણીમાં ચિત્ર જુદું છે. શુ લલિતભાઈના કાકાના ફેક્ટર સામે ભાજપના નવા ચહેરા દુર્લભજીભાઈ દેથરીયાનક જાદુ ચાલશે કે કેમ તે જોવું રહ્યું.

ટંકારા વિધાનસભા બેઠકનો ઇતિહાસ 

1962– મનોહરસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા – અપક્ષ – 16151 મત

1967-વી.જે.શાહ – કોંગ્રેસ -13104 મત

1972- ગોવિંદભાઇ જેઠાભાઇ બોડા- અપક્ષ – 16742 મત

1975- ગોવિંદભાઇ જેઠાભાઇ બોડા -કિશાન મજદૂર લોક પક્ષ – 24458 મત

1980-પટેલ વલ્લભભાઈ પોપટભાઈ – અપક્ષ – 32686 મત

1985-પટેલ વલ્લભભાઈ પોપટભાઈ – કોંગ્રેસ – 57888 મત

1990 – કેશુભાઈ સવદાસ પટેલ – ભાજપ – 48015 મત

1995 – કુંડારીયા મોહનલાલ કલ્યાણજીભાઇ – ભાજપ – 53866 મત

1998 – કુંડારીયા મોહનલાલ કલ્યાણજીભાઇ – ભાજપ – 52321 મત

2002 – કુંડારીયા મોહનલાલ કલ્યાણજીભાઇ – ભાજપ – 62251 મત

2007 – કુંડારીયા મોહનલાલ કલ્યાણજીભાઇ – ભાજપ – 66215 મત

2012 – કુંડારીયા મોહનલાલ કલ્યાણજીભાઇ – ભાજપ – 63630 મત

2017 – લલિતભાઈ કગથરા – કોંગ્રેસ – 94090 મત

- text