મોરબી બેઠક પર કાંતિલાલ અને જેન્તીલાલ બંને સાતમી વખત ચૂંટણી લડી રહ્યા છે..

- text


બંને વચ્ચે પાંચમી વખત મુકાબલો થશે : આ બેઠક પર કાનાભાઈનો પાંચ વખત જીતવાનો અને જેન્તીભાઈનો છ વખત હારવાનો રેકોર્ડ છે

મોરબી : મોરબી બેઠક ઉપર વર્ષ 1995થી 2007 સુધીમાં ભાજપના કાંતિલાલ અને કોંગ્રેસના જયંતીલાલ પટેલ વચ્ચે કાંટે કી ટક્કર થઈ હતી. આ વખતે ફરીથી આ બંને જૂના જોગીઓ ચૂંટણીના મેદાનમાં ટકરાશે. જોકે અગાઉની ચૂંટણીઓમાં કાન્તિલાલ બાજી મારી ગયા હતા અને જેન્તીભાઈને હાર ખમવી પડી હતી. જો કે આ બન્ને સમકાલીન નેતાઓમાં કાનાભાઈનો પાંચ વખત જીતવાનો અને જેન્તીભાઈનો છ વખત હારવાનો રેકોર્ડ ધરાવે છે. જો કે ત્રણ વખત માત્ર નજીવ માર્જિનથી જ કોંગ્રેસના આ ઉમેદવાર હાર્યા હોવાથી હવે આ ચૂંટણીમાં પાંચમી વખત બન્ને નેતાઓ વચ્ચેનો મુકાબલો રસાકસી ભર્યો બની રહેશે. મોરબી બેઠક પર આ બંને જૂના જોડી કાંતિલાલ અને જેન્તીલાલ સાતમી વખત ચૂંટણી લડી રહ્યા છે.

મોરબી બેઠક ઉપર કાન્તિલાલ અને જેન્તીલાલ પટેલ એકબીજાના હરીફ હોવાની સાથે સમકાલીન નેતા ગણાય છે. વર્ષ 1990ની ચૂંટણીમાં જેન્તીભાઈ અને વર્ષ 1995ની ચૂંટણીમાં કાનાભાઈ મેદાને આવ્યા હતા. જો કે જેન્તીભાઈ વર્ષ 1990માં પ્રથમ વખત કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડતા હોય અને તે વખતે કોંગ્રેસનો દબદબો હોવા છતાં આ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે લડત બાબુભાઇ જશભાઈ પટેલ સામે હારી ગયા હતા. વર્ષ 1995 ચૂંટણીમાં તેઓનો નવા સવા ભાજપના ઉમેદવાર કાનાભાઈ સાથે મુકાબલો થયો હતો. આમ છતાં નવા ઉભરતા ભાજપના આ નેતા સામે તેમને હાર ખમવી પડી હતી. આ રીતે વર્ષ 1995, 1998, 2002, 2007ની ચૂંટણીમાં બન્ને વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર કાનાભાઈ આ ચારેય ચૂંટણીમાં મેદાન મારી ગયા હતા. સતત હારતા હોવાથી 2012ની ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો બ્રિજેશ મેરજા બન્યા હતા. તેમની પણ કાનાભાઈ સામે હાર થઈ હતી.

- text

વર્ષ 2017માં રાજકીય પ્રવાહો પલાટાતા ભાજપને પાટીદાર અનામત આંદોલન જબરું નડી ગયું અને કાનાભાઈની સતત પાંચ વખતની જીત બાદ છઠ્ઠી વખતે હાર સહન કરવી પડી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા બાજી મારી ગયા અને કોંગ્રેસના ધારાસભ્ય બન્યા બાદ 2020માં ભાજપમાં જોડતા આવી પડેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સામે ફરી વખત કોંગ્રેસે જેન્તીભાઈને મેદાનમાં ઉતાર્યા પણ નજીવા માર્જિનથી બ્રિજેશ મેરજા જીતીને મંત્રી બન્યા, હવે આ ચૂંટણીમાં ફરી રાજકીય સમીકરણો બદલાતા ભાજપે જુના જોગી કાનાભાઈ મેદાનમાં ઉતાર્યા છે. સામે પક્ષે જેન્તીલાલ કોંગ્રેસમાંથી ફરી લડવાના હોવાથી આ બન્ને વચ્ચે પાંચમી વખત મુકાબલો થશે. જો કે જેન્તીભાઈ છ વખત હારી ચુક્યા છે. પણ બે ચૂંટણીને બાદ કરતાં ચાર ચૂંટણીમાં તેમણે જબરદસ્ત ટક્કર આપતા માત્ર નજીવા માર્જિનથી જ હાર્યા હોય આ વખતે પણ તેઓ લડાયક મૂડમાં હોવાથી સામે પક્ષે ભાજપના ઉમેદવાર કાનાભાઈનો પણ બમણો જોશ હોવાથી આ ચૂંટણીમાં કોનું પલ્ડું ભારે રહે તેના પર સૌની મીટ મંડાઇ છે.

કાંતિલાલ અમૃતિયાને મળેલા મત

વર્ષ મત સરસાઈ

1995 – 50757 – 9011 જીત
1998- 47361 – 21875 જીત
2002- 53443 – 1590 જીત
2007- 75313 – 22521 જીત
2012 – 77386 – 2760 જીત
2017 – 85977 – (-3419) હાર

જેન્તીભાઈને મળેલા મત

વર્ષ – મત – કેટલા મતે હાર? – કોની સામે હાર્યા

1990 – 23767 – 14208 (પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ-અપક્ષ)
1995 – 41748 – 9011 (કાંતિભાઈ અમૃતિયા-ભાજપ)
1998 – 25486 – 21875 (કાંતિભાઈ અમૃતિયા-ભાજપ)
2002 – 51853 – 1590 (કાંતિભાઈ અમૃતિયા-ભાજપ)
2007 – 52792 – 22521 (કાંતિભાઈ અમૃતિયા-ભાજપ)
2020 – 60062- 4649 (બ્રિજેશ મેરજા-ભાજપ)

- text