મોરબીમાં સરકારી મેળાએ ફરી એકવાર એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડની પથારી ફેરવી નાખી

- text


દિવાળીમાં સરકારી મેળાના આયોજન બાદ ક્રિકેટ મેદાનની માવજત ન કરતા ઉકરડામાં ફેરાયેલા મેદાનથી ખેલપ્રેમીઓ નિરાશ

મોરબી : મોરબીમાં ફરી એકવાર સરકારી મેળાના આયોજન એકમાત્ર એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડની પથારી ફરી ગઈ છે. ભૂતકાળમાં અનેક વખત સરકારી કાર્યક્રમોને કારણે આ ક્રિકેટ મેદાનની ઘોર ખોદાઇ ગઈ છે. ત્યારે દિવાળીમાં સરકારી મેળાના આયોજન બાદ ક્રિકેટ મેદાનની માવજત ન કરતા ઉકરડામાં ફેરાયેલા મેદાનથી ખેલપ્રેમીઓ નિરાશ થયા છે.

મોરબીના રાજાશાહી વખતના અને માત્ર ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે રાજવી પરિવારે વર્ષો પહેલા બનાવેલા એલઇ ક્રિકેટ ગાઉન્ડ નવા અનેક ઉભરતા ખેલાડીઓની રમત ગમત માટે ખૂબ જ મહત્વનું છે. આ ગાઉન્ડમાં દદરોજ મોટી સંખ્યામાં ખેલાડીઓ નિયમિત રમત ગમતની પ્રેક્ટિસ કરીને પોતાનું હિર ઝળકાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત અન્ય શહેરીજનો પણ નિયમિત વ્યાયામ કરીને તેમજ અનેક યુવાનો લશ્કરી દળ અને પોલીસમાં ભરતી થવા માટે તૈયારીઓ કરે છે. આવા એકમાત્ર ક્રિકેટ ગાઉન્ડને રાષ્ટ્રીય કક્ષાનું મેદાન બનાવવા માટે અનેક સવલતો આપવાની જગ્યાએ સ્થાનિક સરકારી તંત્ર ઉભરતા ખેલાડીઓની તક છીનવીને આ મેદાનનો માત્ર સરકારી કાર્યક્રમો માટે જ ઉપયોગ કરે છે.

- text

વારંવાર સરકારી તંત્ર આ મેદાનમાં સરકારી કાર્યક્રમોના આયોજન કરીને ઘોર ખોદી નાખે છે સરકારી કાર્યક્રમો પુરા થઈ ગયા બાદ મેદાનને મૂળ સ્વરૂપમાં મુકવા માટે સફાઈ સહિતની કોઈ દરકાર કરતું નથી. હમણાં દિવાળીમાં ફરી એક વાર સરકારે ગૃહ ઉધોગને પ્રોત્સાહન આપવા સરકારી મેળાનું આયોજન દિવાળીમાં કર્યું હતું. પણ દિવાળી અને સરકારી મેળો પૂરો થઈ ગયાને ઘણો સમય થયો છતાં આ મેદાનની મરમત કરવાની કોઈ દરકાર કરી નથી. દરેક વખતની જેમ તંત્રની ઉદાસીનતાને કારણે એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉકરડામાં ફેરવાયું છે. મેદાનમાં મંડપ નાખ્યો હોવાથી આડેધડ ખોદી નાખવામાં આવ્યું છે અને જ્યાં જુઓ ત્યાં કચરાના ગંજ ખડકાયેલા છે. મેદાનની ફરી આવી હાલત જોઈને ખેલાડીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વર્ષોથી ખેલાડીઓની એવી માંગ અને તંત્રને રજુઆત પણ કરી છે કે કોઈપણ સરકારી કાર્યક્રમ અહીં મેદાનમાં ન કરવામાં આવે અને જો કદાચ એવી જરૂર પડે તો કાર્યક્રમ પૂરો થયા બાદ મેદાનની હાલત સુધારી દેવી જોઈએ. એના બદલે લોકોને જાતે જ મેદાનની હાલત દરેક વખતે સુધારવી પડે છે. પણ વર્ષોથીની આ માંગ તંત્રના બહેરા કાને અથડાઈને પરત આવે છે.

- text