વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વના જાહેરનામા બહાર પાડતા મોરબી કલેકટર

- text


મોરબી : વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને મોરબી જિલ્લા કલેકટર દ્વારા વિવિધ મહત્વનાં જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે.

મતદાનના દિવસે મતદાન મથક અને નજીકના વિસ્‍તારોમાં વ્‍યવસ્‍થા જાળવવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મોરબી : મોરબી જિલ્લાની વિધાનસભા ચૂંટણી સબંધમાં નકકી કરેલ મતદાન મથકોએ આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો ઉપર મોટી સંખ્‍યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્‍થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્‍તારોમાં અડચણ થતી અટકાવવા તથા વ્‍યવસ્‍થા જાળવવા પગલાં લેવા જરૂરી જણાતા મોરબીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા અનુસાર ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોને જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્‍થાન પાસે એક લાઇનમાં ઉભા રહેવા અને જો સ્‍ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવા અને લાઇન મુજબ પોતાના ક્રમ અનુસાર એક પછી એક દાખલ થવા અને મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્‍તાર છોડી તુરત જ ચાલ્‍યા જવા જણાવેલ છે.


મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે. મતદારો નિર્ભયતાપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહીં તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરે નહીં તે માટે મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકો અને તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહન લઈ જવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ આદેશો ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ / કર્મચારીઓ મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન / ધંધાના સ્થળે આવવા જવા તેમજ ફરજ પરના પોલીસ /એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન કરનાર સજાને પાત્ર થશે.


નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ મતદાન માટે મતદાનમથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી બુથ ઉભા કરી શકાશે નહી

મોરબી : વિધાનસભાની સામાન્ય ચૂંટણી સમગ્ર ગુજરાત રાજ્યમાં બે તબકકાઓમાં યોજાનાર છે. પ્રથમ તબકકામાં મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ ચૂંટણી યોજાનાર છે. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા ચૂંટણી માટેના ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઈપણ વ્યકિત મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈપણ વ્યક્તિ મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. આ હુકમ મોરબી જિલ્લાના તમામ શહેર અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારને લાગુ પડશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે. ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ હોય તે તમામ તથા ફરજ પરના પોલીસ/ એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ હુકમ લાગુ પડશે નહિ.


મત ગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ થી તા.૦૮/૧૨/૨૦૨૨ સુધી વિવિધ પ્રતિબંધો મુકાયા

મોરબી : વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં બે તબકકાઓમાં યોજાનાર છે. પ્રથમ તબકકામાં સમાવિષ્ટ જિલ્લાઓ પૈકી મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી સરકારી સરકારી પોલિટેકનીક બિલ્ડીંગ ઘુંટુ રોડ, મોરબી ખાતે તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ થનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે. મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ થી તા.૦૮/૧૨/૨૦૨૨ સધીના સમયગાળા માટે કેટલાક અમલવારી કરવા હુકમ ફરમાવ્યા છે. જેમાં (૧) કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. (૨) મતગણતરી કેન્દ્રની આસપાસના ર૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહીં. (૩) કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. (૪) ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. ૫) મતગણતરી ફરજ પર નિયુક્ત અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ તથા આવશ્યક સેવાઓના કામે રોકેલ વ્યક્તિઓને મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મોરબીને અધિકૃત કરવામાં આવે છે. (૬)મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.

- text

આ હુકમમાંથી મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ છે તેમને મુકિત આપવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચ તરફથી મંજૂરી આપવામાં આવેલ હોય, એક્રેડીશન ધરાવતા હોય તેમજ સક્ષમ સત્તાધિકારીએ મતગણતરી કેન્દ્રમાં પરવાનગી આપેલ હોય તેવા પત્રકારશ્રીઓને ઉક્ત દર્શાવેલ મતગણતરી કેન્દ્રના ફક્ત મીડિયા સેન્ટર સુધી જ મોબાઈલ લઈ જવાની છૂટ રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાના પાત્ર ઠરશે.


મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાક ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

મોરબી : મોરબી જિલ્લાની વિધાનસભા ચૂંટણીનું તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની જોગવાઈ અનુસાર ઉમેદવારી પાછી ખેંચવા માટે નિયત કરેલ છેલ્લી તારીખ અને મતદાન વચ્ચે ઓછામાં ઓછા ચોખ્ખા ૧૩ દિવસનો ગાળો રાખવામાં આવે છે. આ સમયગાળા પછી મતદાન પૂર્ણ થવા માટે નિયત કરેલ સમય મર્યાદા પુરા થતાં ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. સમગ્ર મોરબી જિલ્લામાં મતદાન તા.૦૧/૧૨/૨૦૨ ના રોજ સવારના ૦૮:00 કલાકથી સાંજના ૦૫:00 કલાક સુધી થનાર છે. તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાકે એટલે કે, તા.૨૯/૧૧/૨૦૨૨ ના સાંજના ૦૫:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યાં અનુસાર ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહી, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહી કે તેવી સભામાં હાજરી આપશે નહી. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં. કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહીં.


ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ મતદાર ક્ષેત્ર સિવાયના રાજકીય કાર્યકર્તાઓને મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ

મોરબી : મોરબી જિલ્લાની વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તાત્કાલીક અસરથી મતદાર ક્ષેત્ર છોડી દેવા અને તે મતદાર ક્ષેત્રમાં ન રહેવા પર આદેશો કર્યા છે. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના વિસ્તાર બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જે તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૨૯/૧૧/૨૦૨૨ ના સાંજના ૦૫:૦૦ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે મોરબી જિલ્લા વિસ્તાર છોડી જતા રહેવા જણાવાયું છે. આ જાહેરનામાની અમલવારી સુનિશ્ચિત કરવા મોરબી જિલ્લાના વિસ્તારમાં પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાર્વજનીક સભા ખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીસી અને અતિથિગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવી તથા મતદાર વિભાગની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવતા વાહનોની અવર-જવર પર દેખરેખ અને તપાસ રાખી, ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલ કોઈ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહી હોવાની ખાતરી કરવા પણ જણાવાયું છે. રાજકીય પક્ષના રાજય કક્ષાના ઈન્ચાર્જ પદાધિકારીઓએ રાજ્યના હેડ કવાર્ટરમાં રોકાવાના હોય તે સ્થળ જાહેર કરવાનું રહેશે, તથા સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવક-જાવક કરી શકશે.


મતદાન તેમજ મત ગણતરી દિવસે ‘‘ડ્રાય ડે’’ જાહેર

મોરબી : મોરબી જિલ્લાની વિધાનસભાની ચૂંટણીનું તા.૦૧/૧૨/૨૦૨૨ રોજ મતદાન થનાર છે. ચૂંટણી પંચની સ્થાયી સુચનાઓ અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ લોકસભા બેઠક આજુબાજુના વિસ્તારોમાંથી એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલા ભરવા તેમજ ડ્રાય ડે જાહેર કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં અનુસાર મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે, તા.૨૯/૧૧/૨૦૨૨ના સાંજના ૦૫:૦૦ કલાકથી તા.૦૧/૧૨/૨૦૨૨ સાંજના ૦૫:૦૦ કલાક સુધી તેમજ મતગણતરીનો દિવસ એટલે કે, તા.૦૮/૧૨/૨૦૨૨ નો દિવસ (આખો દિવસ) “ડ્રાય ડે” જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન તમામ પરવાનેદાર વિદેશી દારૂની દુકાનો (એફ.એલ.-૧ અને એફ.એલ.-૨) તેમજ પોષ ડોડવાનું વેચાણ કરતી દુકાનો (પોપી-૨ એએ અને પોપી-૨) એ ‘‘ડ્રાય ડે’’ના દિવસોએ દારૂ કે પોષ ડોડવાનું વેચાણ નહીં કરવા તેમજ દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.


- text