મોરબીના છેવાડાના લાયન્સનગરમાં ગટર ઉભરાવવાના પ્રશ્ને મહિલાઓનું પાલિકામાં હલ્લાબોલ

- text


છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી ભરાયેલું હોય અને રોગચાળો ફાટી નીકળે એવી ગંભીર પરિસ્થિતિ છતાં તંત્ર ધ્યાન ન આપતા મહિલાઓ વિફરી, પાલિકામાં રજુઆત માટે ખાસ્સો સમય બેસવા છતાં કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ ન ડોકાતા મહિલાઓમાં ભારે આક્રોશ

મોરબી : મોરબીના છેવાડાના લાયન્સનગરમાં છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી ભરાયેલું હોય અને રોગચાળો ફાટી નીકળે એવી ગંભીર પરિસ્થિતિ છતાં તંત્ર ધ્યાન ન આપતા મહિલાઓ વિફરી હતી અને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું નગરપાલિકા કચેરીએ દોડી જઈને મોરચો માંડ્યો હતો. પણ પાલિકામાં રજુઆત માટે ખાસ્સો સમય બેસવા છતાં કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ ન ડોકાતા મહિલાઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં ગટરના પાણી પ્રશ્ને મહિલાઓનું ટોળું નગરપાલિકા કચેરીમાં દોડી ગયું હતું અને જ્યાં સુધી ગટરના પાણી પ્રશ્નનો હલ ન થાય ત્યાં સુધી નગરપાલિકામાં બેસી રહેવાનો નીર્ધાર કરી તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, તેમના વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ભુર્ગભ ગટર ઉભરવાની ભયકર સમસ્યા છે. આખી શેરીમાં ગટરના ગંદા પાણી રેલમછેલ થઈને વહેતા હોય મચ્છરોનો ભારે ઉપદ્રવ રહે છે. ગટરના ગંદા પાણીમાં ચાલીને જવું પડતું હોય અને ઘર સામે ગટરની ભયકર ગંદકી ઉભરાતી હોવાથી રોગચાળો ફાટી નીકળે એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. છેલ્લા છ મહિનાથી ગટરના પાણી સાફ કરવા માટે તંત્રને રજુઆત કરી હોવા છતાં નીભર તંત્ર આ ગંભીર પ્રશ્ને અનદેખી કરી હોવાથી આજે નગરપાલિકામાં મોરચો માંડવાની ફરજ પડી છે. આજે આ વિસ્તારમાં 70 જેટલા ઘરોને ગટરની સમસ્યા અસર કરતી હોય આ પ્રશ્નનું નિરાકરણ માટે આજે સવારે 10 વાગ્યાથી નગરપાલિકામાં બેઠા હોય છતાં જવાબદાર પદાધિકારીઓ કે અધિકારીઓ હાજર ન હોય ભારે રોષ સાથે મહિલાઓએ જ્યાં સુધી તેમના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી નગરપાલિકામાં બેસી રહેવાનું જણાવ્યું હતું.

- text

- text