ઝૂલતા પુલ દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોને થાપણ સ્વરૂપે રૂ. 5 કરોડ આપવાની અદાણીની જાહેરાત

- text


માતા-પિતા બન્ને ગુમાવનાર 7 બાળકો, બેમાંથી કોઈ એક ગુમાવનાર 12 બાળકો તેમજ સગર્ભા માતાની કુખમાં ઉછરી રહેલા બાળકને પણ સહાયનો લાભ અપાશે

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉછરી રહેલા એક બાળક સહિત ૨૦ ભૂલકાઓ છે કે જેઓએ માતા પિતા કે બેમાંથી કોઈ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરુપે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના સ્વરુપમાં રુ.પાંચ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સત્તાવાર રેકોર્ડ અનુસાર સાત બાળકોએ આ દુર્ઘટનામાં તેમના માતા અને પિતા ગુમાવતા અનાથ બન્યા છે અને ૧૨ બાળકો એવા છે કે જેમણે મા-બાપ પૈકી કોઇ એકને ગુમાવ્યા છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની કૂખમાં ઉછરી રહેલ બાળક માટે પણ રુ.૨૫ લાખની થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહયું છે.

મોરબીની મચ્છુ નદી ઉપર ૧૮૮૦માં બાંધવામાં આવેલો ઐતિહાસિક ઝૂલતો પુલ ગત તા. ૩૦મી ઓકટોબર, ૨૦૨૨ની સાંજે ધરાશાયી થયો ત્યારે ઓછામાં ઓછા ૧૩૫ લોકોએ તેમની મહામૂલી જીંદગી ગુમાવી છે અને ૧૮૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, અમે મહામૂલી જીંદગીનો ભોગ લેનાર આ કમનશીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો સાથે અમારી સંવેદના વહેંચીએ છીએ.સૌથી વધુ ગંભીર રીતે અસરગ્રસ્તોમાં નાના બાળકો છે, જેમાંથી ઘણાને હજુ સુધી કહેવામાં આવ્યું નથી કે તેમના માતા અથવા પિતા અથવા બંને માતાપિતા ક્યારેય ધરે પાછા ફરશે નહીં. આ મહા મુશ્કેલીની ધડીમાં આ બાળકોના વિકાસ, તેઓને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે જે કંઈ કરી શકીએ તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આથી જ અમે તેઓને તેમના વિકાસમાં જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ફંડ સ્થાપવાનું નક્કી કર્યું છે.

- text

અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથેના પરામર્શમાં રહી ૨૦ બાળકો માટે ચોકકસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડિપોઝિટમાં મૂકશે જેથી તેઓની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહે. આ સંદર્ભમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંતભાઇ ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.

૧૯૯૬ માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન એ વિશ્વમાં સૌથી વધુ લોકો સુધી પહોંચતી સામાજિક સહાય કરતી સંસ્થાઓ પૈકી એક છે લોકોના સર્વાંગી ઉત્થાન માટેના શ્રેણીબધ્ધ કાર્યક્રમો ધરાવતું અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતના ૨,૪૦૯ ગામડાઓમાં ૩.૭ મિલિયન લોકોને આવરી લે છે. તે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, કૌશલ્ય વિકાસ, ટકાઉ આજીવિકા વિકાસ અને ગ્રામીણ માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બાળ પોષણ અને મહિલાઓના સશક્તિકરણ માટેના વિશેષ પ્રોજેક્ટ્સની શ્રેણીને સહયોગ આપે છે.

- text