હળવદની મહિલાનો પાર્ટીપારો ચોરનાર ત્રિપુટીને મુદ્દામાલ સાથે ઝડપી લેતી મોરબી એલસીબી

- text


પોલીસના હાથે ઝડપાયેલ ગેંગ અગાઉ અનેક ગુના આંચરી ચૂકી છે 

હળવદ : ગઈકાલે સોમવારે હળવદની મહિલાને સીએનજી રીક્ષામાં બેસાડ્યા બાદ આ મહિલાની નજર ચૂકવી રિક્ષામાં સવાર અન્ય બે મહિલા અને એક પુરુષે સોનાનો પાટીપારો ચોરી કરી લીધો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામા આવી હતી આ ફરિયાદના આધારે મોરબી એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ બનાવમાં સંડોવાયેલ બે મહિલા અને એક પુરુષને ઝડપી લઇ હળવદ પોલીસને સોંપવામાં આવ્યા છે. સાથે જ પોલીસે સોનાનો પાટીપારો,એક મોબાઈલ,રિક્ષા સહિત રૂપિયા 1.15 લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા કાજલબેન વિષ્ણુભાઈ ભરવાડ ગઈકાલે સોમવારે તેઓના પિયર સુરેન્દ્રનગર જવા માટે ઘરેથી નીકળ્યા હતા અને હળવદ શહેરની ટેલીફોન એક્સચેન્જ પાસે રોડ પર ઉભા હતા તે વેળાએ ત્યાંથી સીએનજી રીક્ષા લઇ આરોપીઓ નીકળ્યા હતા અને ધાંગધ્રા તરફ આવવું હોય તો ચાલો અમે ધાંગધ્રા જઈએ છીએ તેમ કહ્યું હતું. જેથી કાજલબેન રિક્ષામાં સવાર થઈ ધાંગધ્રા તરફ જવા નીકળ્યા હતા તેવામાં કોઇબા ગામના પાટિયા નજીક કાજલબેને ગળામાં પહેરેલા બે તોલા સોનાના પાટીપારાની નજર ચૂકવી તેઓની બાજુમાં બેઠેલી બે મહિલાએ ચોરી કરી લીધા બાદ કાજલબેનને સુખપર ગામના પાટીયા નજીક અહીં અમારે વાડીનું કામ છે તેમ કરી ઉતારી દીધા હતા.

બાદમાં કાજલબેને ગળામાં જોતા સોનાનો પાટીપારો જોવા ન મળતા તેઓ દ્વારા પરિવારજનોને જાણ કર્યા બાદ બનાવની કાજલબેનએ બે અજાણી મહિલા અને એક પુરુષ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી આ બનાવમાં ગણતરીની કલાકોમાં જ મોરબી એલસીબી ટીમ ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો છે અને આરોપીઓને મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધા છે.

- text

પોલીસે આ ચોરીના ગુનામાં આરોપી પ્રભાબેન ઉર્ફે બાડી કિશનભાઇ ઉર્ફે ઈશ્વરભાઈ દેવરાજભાઈ ઉર્ફે દેવાભાઈ સોલંકી રહે રાજકોટ,જનાબેન ઉર્ફે મંજુબેન અજીતભાઈ દેવાભાઈ સોલંકી રહે રાજકોટ અને અરવિંદભાઈ પોલાભાઈ કાંજિયા રહે નવાગામ રાજકોટને ઝડપી લીધા છે સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો પાટીપારો કિંમત રૂપિયા 60 હજાર, એક બજાજ કંપનીની સીએનજી ઓટો રીક્ષા કિંમત રૂપિયા 50 હજાર અને એક મોબાઇલ કિંમત રૂપિયા 5 હજાર મળી કુલ રૂપિયા 1,15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને હળવદ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

પોલીસની તપાસમાં આ બે મહિલા અને પુરુષ અગાઉ પણ જુદી જુદી ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયા છે સાથે જ આરોપીઓ સાસુ જમાઈ થતા હોય જે ઓટો રીક્ષા લઈને શહેરી વિસ્તારમાં એકલદોકલ અથવા વયોવૃદ્ધ સ્ત્રીઓને રિક્ષામાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી રીક્ષા પુરપાટ ઝડપે ચલાવી પેસેન્જરના ગળામાં પહેરેલ સોનાના દાગીના પેસેન્જરને ખબર ન પડે તેવી રીતે નજર ચૂકવી ચોરી કરી લેતા હોય છે.

આ સફળ કામગીરીમાં મોરબી એલસીબી ટીમના કે.જે ચૌહાણ, એન.એસ ચુડાસમા,દશરથસિંહ ચૌહાણ,સુરેશભાઈ હુંબલ,ચંદુભાઈ કાણોતરા, નિરવભાઈ મકવાણા, વિક્રમભાઈ કુગસિયા સહિતનાઓ રોકાયા હતા.

- text