મોરબી એસટી માટે દિવાળી ટનાટન, તમામ બસો હાઉસફુલ

- text


એસટી તંત્રએ દાહોદ-પંચમહાલ તરફ વધારાની 20 અને સુરત તરફની છ બસો દોડાવી

નાથદ્રારા, કચ્છ માતાના મઢ, જૂનાગઢ-સાસણ ગીર, આબુ અંબાજી, ઉદેપુર સહિતના ધાર્મિક અને પર્યટન સ્થળની બસો પાંચ-પાંચ દિવસના રિઝર્વેશનથી પેક

મોરબી : મોરબીમાં એસટી ડેપોમાં દિવાળીને લઈને ભારેખમ ટ્રાફિક જોવા મળે છે. જેમાં તમામ બસો હાઉસફુલ થઈ ગઈ છે. ખાસ કરીને દાહોદ-પંચમહાલ તરફ વધારાની 20 અને સુરત તરફની છ બસો દોડાવી છે. ઉપરાંત નાથદ્રારા, કચ્છ માતાના મઢ, આબુ અંબાજી, ઉદેપુર સહિતના ધાર્મિક અને પર્યટન સ્થળની બસો પાંચ-પાંચ દિવસના રિઝર્વેશનથી પેક થઈ ગઈ છે. એટલે દર વખતની જેમ આ વખતે પણ મોરબી એસટી ડેપોને દિવાળી ફળીભૂત થશે અને મોટી આવક થવાની સભાવના છે.

મોરબી એસટી ડેપો મેનેજર દિલીપભાઈ શામળાએ જણાવ્યું હતું કે દિવાળીમાં મોરબીના લોકો પોતાના પરિવાર કે મિત્રો અને સગા સ્નેહીઓ સાથે બહારગામ જેવા કે ધાર્મિક અને પર્યટન સ્થળે જઈને દિવાળીની ઉજવણી કરવા જવા માટે એસટીમાં ભારે ઘસારો કરતા હોય છે. એટલે હાલ છેલ્લા ત્રણ ચાર દિવસથી સામાન્ય કરતા પણ અનેકગણો ટ્રાફિક વધી ગયો છે. દરેક બસ ભરચકક થઈ ગઈ છે. ખાસ કરીને દાહોદ અને પંચમહાલ જિલ્લાના મોટી સંખ્યા ખેતશ્રમિકો મોરબી પંથક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર સાથે આખું વર્ષ રહી ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફના હજારો શ્રમિકો મોરબી અને આસપાસ રહેતા હોય પોતાના વતનમાં પરિવાર અને સગા સ્નેહી સાથે વર્ષમાં એકવાર દિવાળી ઉજવવવા વતન જતા હોવાથી અત્યારે આ શ્રમિકોએ મોટી સંખ્યામાં વતનની વાટ પકડતા દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફની બસો પેક થઈ ગઈ છે.

- text

મોરબી એસટી તંત્ર દરરોજ સામાન્ય દિવસોમાં પણ ગોધરા અને પંચમહાલ તરફથી લોકો મોરબી આવતા જતા હોય આથી આ દાહોદ તરફની રોજની 40 જેટલી બસો દોડે છે હવે દિવાળીમાં ટ્રાફિક વધતા દાહોદ તરફથી એક્સ્ટ્રા 20 બસો દોડાવી છે. એ બસો પણ ખીચોખીચ રહે છે. આ ઉપરાંત સુરત તરફ જવા માટે પણ ટ્રાફિક વધતા વધારાની 6 બસો દોડાવામાં આવી છે.6 હાલ તો કુલ 26 બસો દોડવામાં આવી છે અને જે તરફનો ટ્રાફિક વધશે અને જરૂર જણાશે તો હજુ વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત લોકો રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં પણ જવા માટે ઘસારો કરતા ઉપરથી આવતી આ એકસપ્રેસ બસો ઘણીવાર સામાન્ય દિવસોમાં ખાલીખમ હોય પણ અત્યારે દિવાળીને લીધે ભરચકક જોવા મળે છે અને ઘણા મુસાફરો ઉભા-ઉભા જ મુસાફરી કરે છે. આ તરફની એકેય બસ વધારાની ચાલુ કરી નથી. જ્યારે નાથદ્રારા, કચ્છ માતાના મઢ, જૂનાગઢ-સાસણ ગીર, આબુ અંબાજી, ઉદેપુર સહિતના ધાર્મિક અને પર્યટન સ્થળની બસો પાંચ-પાંચ દિવસના રિઝર્વેશનથી પેક ગઈ છે. સામાન્ય દિવસો કરતા હાલ રિઝર્વેશન વધી ગયું હોય અગાઉથી પેક થઈ જતા રિઝર્વેશન ન કરાવનાર ઘણા મુસાફરોને ઉભા રહેવાની પણ માંડ જગ્યા મળે છે.

- text