ગાળા ગામના જર્જરિત પુલના જીવલેણ ખાડાએ યુવાનનો ભોગ લીધો

- text


લાંબા સમયથી પુલ જોખમી બની ગયો હોવા છતાં તંત્રએ રીનોવેશન માટે કોઈ દરકાર ન કરતા બાઈક લઈને પુલ પર પસાર થતી વખતે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો

મોરબી : મોરબીના ગાળા ગામ પાસે આવેલ પુલ ઘણા સમયથી જોખમી બની ગયો હોય અને આ પુલ ઉપરથી પસાર થવું ખૂબ જ જોખમી હોવા છતાં તંત્રએ પુલના રીનોવેશન માટે કોઈ દરકાર ન કરતા તંત્રના પાપે ગઈકાલે રાત્રે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગઈકાલે રાત્રે બાઈક લઈને ગાળા ગામના પુલ ઉપરથી પસાર થતી વખતે જીવલેણ ખાડાએ યુવાનનો ભોગ લીધો હતો. વારંવાર ગંભીર અકસ્માત સર્જાવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીના ગાળા ગામ પાસેનો પુલ એટલી હદે જોખમી અને ખતરનાક બની ગયો છે કે, આ પુલ ઉપરથી હેમખેમ થઈને પસાર થવું શક્ય જ નથી. પુલ જોખમી હોવાની સાથે ઠેરઠેર જીવલેણ ગાબડા પડી ગયા છે. આ પુલ ઉપર થોડી ઘણી જગ્યા સારી જગ્યા બચી નથી. મોટા વાહનો તો આ પુલ ઉપર નીકળી શકે એમ જ નથી. થોડા સમય પહેલા એક ટ્રક ચાલકને આ પુલ ઉપરથી નીકળી શકાય એમ ન હોવા છતાં ટ્રક લઈને નીકળવાનું દુસાહસ ભારે પડ્યું હતું. ટ્રક બુરી રીતે ફસાઈ ગયો હતો અને તેનો જીવ માંડ માંડ બચ્યો હતો. આવી અનેક અકસ્માતની ઘટનાઓ બની છે. જ્યારે બાઈક જેવા નાના વાહનો જીવન જોખમે આ પુલ ઉપર પસાર થાય છે. કારણ કે લાંબો પંથ કાપી ફરી ફરીને જવું પરવડે એમ નથી. આથી જીવનો જોખમે પસાર થવામાં મોટો ખતરો હોવા છતાં લોકો નાના વાહન લઈને આ પુલ ઉપર નીકળે ત્યારે અકસ્માત સર્જાઈ છે.

ગતરાત્રે ગાળા ગામના પુલ ઉપર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં તાલુકા પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર મોરબીના સામાંકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ થોભણભાઈ હમીરપરા (ઉ.વ.42) નામના યુવાન ગતરાતી 8 વાગ્યાની આસપાસ બાઈક લઈને અણિયારીથી મોરબી આવી રહ્યા હતા ત્યારે ગાળા ગામના જર્જરિત પુલ ઉપર બાઈક લઈને પસાર થતી વખતે એક મસમોટા જીવલેણ ખાડામાં બાઈક સાથે નીચે પટકાતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના દર્શાવે છે કે ગાળા ગામનો પુલ હવે મોટા તો ઠીક નાના વાહનો માટે પણ ઉપયોગ કરવા લાયક નથી. આ પુલ ઉપર પસાર થવું એટલે અકસ્માતને સામે ચાલીને આમંત્રણ આપવા બરોબર છે. તેથી તંત્રએ વહેલીતકે આ જોખમી પુલ અવરજવર માટે બંધ કરીને તેના રીનોવેશન માટે યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

- text

- text