મોરબીના મચ્છુ ડેમ સાઇટ ઉપર ચાંદનીની શીતળતામા શરદોત્સવ ઉજવાયો

- text


મોટી સંખ્યામાં લોકો પરિવારજનો, કે મિત્રો સાથે ઉમટી પડી રીતસર નિખરતી ચાંદનીના વરખમાં તરબોળ થઈને શરદોત્સવની ઉજવણી કરી

શરદપુનમ નિમિતે ઠેરઠેર રાસોસ્તવની રંગત જામી, અમુક પ્રાચીન ગરબીઓમાં પણ રાસ ગરબાની રમઝટ સાથે બાળાઓને લ્હાણી વિતરણ કરાઈ

મોરબી : મોરબી નજીક આવેલા મચ્છુ-2 ડેમની સાઇટ ઉપર વર્ષોથી વણલેખી પરંપરા અનુસાર ગતરાત્રે શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મચ્છુ ડેમ સાઇટ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પરિવારજનો, કે મિત્રો સાથે ઉમટી પડી રીતસર નિખરતી ચાંદનીના વરખમાં તરબોળ થઈને શરદોત્સવની ઉજવણી કરી હતી. જો કે ડેમ સાઇટ ઉપર શરદ પૂનમે પુણેપણે પ્રકાશિત થયેલા ચંદ્રનું પ્રતિબિંબ પ્રકાશિત થતા ચાંદી જેવા નીતરતા વરખથી વાતાવરણ અદભુત બન્યું હતું.

મોરબી નજીક મચ્છુ ડેમ સાઇટ ઉપર દર શરદ પૂનમે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. શરદ પૂનમે ચાંદનીનું સ્વરૂપ બેનમુન હોય અને મચ્છુ ડેમ સાઇટ ઉપર ચાંદનીનો નઝારો નિહાળવો અદભુત હોવાથી દર શરદ પૂનમે લોકો સ્વંયભુ ઉમટી પડીને નિખરતી ચાંદનીના વરખમાં તરબોળ થઈ જાય છે. આથી ગતરાત્રે શરદ પૂનમે મચ્છુ ડેમ સાઇટ ઉપર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ઘણા લોકો પરિવાર, મિત્રો તેમજ સગા સ્નેહીઓ સાથે ઉમટી પડતા ડેમ ઉપર મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. જો કે, ડેમ સાઇટ ઉપર શરદ પૂનમને ધ્યાને લઈને લોકોની ખુશીઓમાં વધારો કરવા ડેમ તંત્ર દ્વારા સાઇટ ઉપર રોશની કરવામાં આવી હતી. તેમજ સિક્યુરિટી સ્ટાફ મૂકી સુરક્ષાનો પ્રબંધ પણ કરવામાં આવ્યો હતો. એકંદરે ડેમ તંત્ર દ્વારા લોકો મુક્તપણે શરદોત્સવ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

શરદ પૂનમની રઢિયાળી રાત્રે પૂર્ણપણે પ્રકાશિત થયેલા ચંદ્રનું પ્રતિબિંબ મચ્છુ ડેમ સાઇટ ઉપર અને વહેતા જળ ઉપર પ્રકાશિત થતા દરેકના હૈયા પુલકિત થઈ જેવું અલોકીક વાતાવરણ સર્જાયું હતું. ડેમ સાઇટ ઉપર લોકોએ કલાકો સુધી બેસીને કે ટહેલતા-ટહેલતા કોઈ રૂપરૂપના અંબાર નવોઢાને પણ શરમાવે તેવું ચાંદનીનો બેનમૂન નઝારો જોઈને ધન્ય થઈ ગયા હતા. સાથેસાથે લોકોએ સાથે લાવેલા દૂધ પૌઆ અને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યજંનોની લિજ્જત માણી હતી. આ ઉપરાંત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર શરદ પૂનમની રાત્રે રાસ ગરબાનું આયોજન થયું હતું. તેમજ અમુક સમાજ અને સામાજિક તેમજ સંસ્થાકીય સંગઠનો દ્વારા આયોજિત શરદોત્સવમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ મોડી રાત્રી સુધી રાસ ગરબાની રંગત જમાવી હતી. અમુક પ્રાચીન ગરબીઓ શરદ પૂનમ સુધી લાબાવવામાં આવી હોય ગતરાત્રે શરદોત્સવની ઉજવણીમાં રાસ ગરબાની રમઝટ બોલાવીને આયોજકો દ્વારા બાળાઓને લ્હાણી રૂપે કિંમતી ભેટ સોગાદ આપવામાં આવી હતી.

- text

- text