મોરબીમાં બોગસ આધારકાર્ડને આધારે જમીન કૌભાંડ કેસમાં વિનુ અઘારાની સુરતથી ધરપકડ

- text


રાજકોટના ધંધાર્થી સાથે કિંમતી જમીનના માલિકના નામે ખોટા આધારકાર્ડ બનાવી કરાઈ હતી 35 લાખની છેતરપિંડી

મોરબી : મોરબીમાં રાજકોટના એક ધંધાર્થીને જમીનમાં ભાગીદારી આપવાનું કહી રૂપિયા 35 લાખ રોકડા પડાવી લઈ જમીન માલિકને બદલે ખોટા આધારકાર્ડ વાળા મહિલા પુરુષ હાજર રાખી કરાર કરી છેતડપિંડી આચરવા મામલે છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા  મોરબીના વીનું અઘારાને પેરોલ ફરલો સ્ક્વોડ સુરતથી દબોચી લીધો છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં ’’ખોડીયાર કૃપા’’મકાનમાં રહેતા અને જમીન મકાનના ધંધાર્થી મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયાને મોરબીના વજેપરમાં આવેલી જમીનમાં બેઠી ભાગીદારી આપવાનું કહી વિનુભાઇ તળશીભાઇ અઘારા રહે.મોરબી રવાપર વાળાએ શીશામાં ઉતારવાનો સુવ્યવસ્થિત પ્લાન ઘડી કાઢી રૂપિયા 35 લાખ રોકડાની છેતરપિંડી કરવામાં આવી હતી.આ મામલે મુકેશભાઈ રાદડિયા છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમના પરિચિત અને મુખ્ય ભેજાબાજ એવા વિનુભાઈ તળશીભાઈ અધારા, જમીન માલિક ન હોવા છતાં ખોટા આધારકાર્ડને આધારે ખાતેદારની ભૂમિકા ભજવનાર જયાબેન વશરામભાઇ ડાભી, ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો) મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે.બધા મોરબી વાળા વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

વધુમાં મોરબીના વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩/પૈકી-૧/પૈકી-૨ની જમીનમાં ભાગીદારી કરવા મુકેશભાઈ પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા બાદ ફરિયાદ નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયેલ વીનું ચિટર સુરત ખાતે હોવાની બાતમી પેરોલ ફરલો સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને મળતા આરોપી વિનોદ તળસીભાઈ અઘારા, રહે.રવાપર હનુમાનજી મંદિર સામે, યોગીરાજ એપાર્ટમેન્ટ, બ્લોક નંબર 501 મોરબી વાળાને ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ મથકને સોંપી આપ્યો હતો.

 

- text