મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને ફાયદો ! મકનસર રેલવે કન્ટેનર ડેપો માટે 112 કરોડની ફાળવણી

- text


કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ 280 કરોડના પ્રોજેક્ટને આપી છે મંજૂરી : મોરબીથી દરરોજ 1200 કન્ટેનર સીરામીક પ્રોડ્કટની થાય છે નિકાસ

મોરબીના સીરામીક ઉદ્યોગને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થશે મોટો ફાયદો : મોરબી – કચ્છ હાઇવે ટ્રાફિકમાં પણ થશે ઘટાડો

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ખુબ જ મહત્વના અને ફાયદાકારક નિર્ણયમાં કેન્દ્ર સરકારે મકનસર રેલવે કન્ટેનર ડેપો માટે મંજુર કરેલા 280 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા રૂપિયા 112 કરોડની ફાળવણી કરવામાં આવતા સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.

મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના જણાવ્યા મુજબ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષે અંદાજે 15000 કરોડની ટાઇલ્સ સહિતની જુદી-જુદી સિરામીક પ્રોડ્કટની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. ખાસ કરીને મોરબીથી નિકાસ થતી સીરામીક પ્રોડ્ક્ટ વાહન મારફતે કંડલા પોર્ટ ઉપરથી જતી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ભાડાના ખર્ચ ઉપરાંત સિરામિક આઇટમો તૂટવાની ભીતિ રહેતી હોય છે જેથી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોરબી નજીક રેલવે ઇનલેન્ડ કન્ટેનર ડેપોની માંગ કરવામાં આવી હતી જે કેન્દ્ર સરકાર દ્વારા મંજુર પણ કરવામાં આવી હતી.

- text

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગ માટે મકનસર નજીક મંજુર થયેલા ઇનલેન્ડ કન્ટેનર ડેપો પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના ગતિ શક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ કરી કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા કુલ રૂપિયા 280 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત 19 સપ્ટેમ્બરના રોજ રૂપિયા 112 કરોડ ફાળવવામાં આવ્યા છે.વધુમાં મોરબીમાં જ કન્ટેનર ડેપો કાર્યરત થતા ટ્રાન્સપોર્ટ ભાડામાં ઘટાડો થવાની સાથે કસ્ટમ ક્લીયરન્સમા ખૂબજ સરળતા રહેશે અને કસ્ટમ ક્લિયરન્સ એજન્ટોની ઓફિસો મોરબી થશે જેથી નવી રોજગારી ઉભી થશે

આ અંગે મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારના વિઝનરી વડાપ્રધાન દ્વારા અગાઉ ગલ્ફ કન્ટ્રીમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટીનો પ્રશ્ન હલ કર્યા બાદ બીજા મહત્વના અને ફાયદાકારક નિર્ણયરૂપે મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝનું એક્સપોર્ટ વધે તે માટે ઇનલેન્ડ કન્ટેનર ડેપો માટે ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 112 કરોડની ફાળવણી કરતા સીરામીક એસોસીએશનના ચારેય પાંખના પ્રમુખો અને તમામ ઉદ્યોગકારો વતી સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મોરબીથી દરરોજ 1200 જેટલા કન્ટેનરની નિકાસ થાય છે ત્યારે મકનસર નજીક ઇનલેન્ડ કન્ટેનર ડેપો પ્રોજેક્ટનો કેન્દ્ર સરકારે ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ કરતા આગામી એકાદ વર્ષના સમયમાં જ આ કન્ટેનર ડેપો કાર્યાન્વિત થાત સીરામીક ઉદ્યોગને ખુબ જ ફાયદો થવાની શક્યતા જોવાઈ રહી છે. હાલમાં આ પ્રોજેક્ટ માટે રેલવે તેમજ નગરપાલિકાની જમીન પ્રશ્ને પણ ત્વરિત નિર્ણય આવે તેમ હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

- text