મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવતા હોવાથી રાતો રાત રોડના કામો શરૂ કરાયા

- text


તંત્ર અને સરકાર માત્ર નેતાઓ અને ચૂંટણીલક્ષી જ દેખાવ માટે કામ કરે છે : આમ આદમી પાર્ટી

મોરબી : મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે. અને તેમનો રોડ શો યોજવાનો છે. જેથી તંત્ર દ્વારા ભાજપના ઉચ્ચ નેતાઓને રોડ શો દરમિયાન કોઈ તકલીફના પડે તે માટે રાતો રાત યુદ્ધના ધોરણે ખરાબ રોડનું તંત્ર દ્વારા રિપેરીગ કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ મુદ્દે મોરબી જિલ્લા આપ પ્રમુખે તંત્ર અને સરકારને આડે હાથે લીધી છે. અને આરોપ લગાવ્યો હતો કે આ રોડના કામ પ્રજા હિત માટે થતા નથી કારણ કે રોડ તો ઘણા સમયથી ખરાબ હતા. અને રજુઆત પછી તંત્ર જાગ્યું ન હતું. પણ હવે અચાનક જાગ્યું એનું કારણ એ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા હોય પાર્ટીનું ખરાબ ન દેખાય તે માટે રોડને રીપેર કરાઈ રહ્યા છે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંત ગોરીયાએ જણાવ્યું હતું કે, ચોમાસુ પૂરું થવાની તૈયારીમાં હોય ત્યારે તંત્રને અચાનક રોડનું રિપેરીગ કામ સૂઝ્યું છે. અને હમણાંથી શનાળા રોડ ઉપર જે યુદ્ધના ધોરણે રોડ રિપેરીગના કામો થઈ રહ્યા છે. તે પ્રજાના હિત માટે નથી, ખરેખર તો ભાજપના રાષ્ટીય અધ્યક્ષ જે. પી. નડા મોરબી આવી રહ્યા હોય ખરાબ રોડથી પાર્ટીને નીચાજોણું ન થાય તે માટે આ રોડ કામ થઈ રહ્યા છે. બાકી તો તંત્રને હૈયે ખરેખર પ્રજાહિત વસેલું હોય તો રોડના કામ વહેલા કરી નાખ્યા હોત.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબીના મોટાભાગના રોડ રસ્તા ઘણા સમયથી ખરાબ છે. અવની ચોકડીની વરસાદી પાણી ભરવાની સમસ્યા, નવલખી રોડ સહિતની ઘણી બધી સમસ્યાઓ અંગે અનેક રજુઆત કરી હતી પણ તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું. હવે માત્ર રોડની કામગીરી ભાજપના નેતા માટે થઈ રહી હોવાનો આક્ષેપ કરી આ સરકાર પ્રજા માટે નહીં પણ તેના નેતા માટે જ કામ કરતી હોવાનું વસંત ગોરીયાએ અંતમાં જણાવ્યું હતું.

- text

- text