માઇનસ તાપમાન અને ઓક્સિજનની કમી વચ્ચે લદાખ મેરેથોનમાં યુવાનોને હંફાવતાં મોરબીના 70 વર્ષીય તબીબ  

- text


11,115 ફૂટની ઉંચાઈએ વિપરીત વાતાવરણમાં 6.45 કલાકને બદલે એક કલાક વહેલી મેરેથોન દોડ પૂર્ણ કરી

મોરબી : મોરબીના 70 વર્ષીય ઓર્થોપેડિક સર્જન યુવાઓને પણ પાછળ રાખી દે તેવી અજબ – ગજબ સ્ફૂર્તિ સાથે માઇનસ તાપમાન અને ઓક્સિજનની કમી વચ્ચે તાજેતરમાં યોજાયેલ સૌથી કઠિન મેરેથોન દોડમાં 41 કિલોમીટરનું અંતર નિર્ધારિત 6.45 કલાકને બદલે 5.45 મિનિટમાં પૂર્ણ કરી અનેરી સિધ્ધિ મેળવવાની સાથે સમગ્ર ભારતભરમાંથી 70 વર્ષની વયના એકમાત્ર સ્પર્ધક હોવાનું બહુમાન મેળવ્યું હતું.

સામાન્ય રીતે આજના સમયમાં 70 વર્ષની વયે પુરુષ હોય કે, સ્ત્રી હોય, ઘડપણના કારણે સહારા વગર ચાલવામાં તકલીફ અનુભવતા હોય છે ત્યારે છેલ્લા છ વર્ષથી મેરેથોન દોડના બંધાણી બનેલા મોરબીના ઓર્થોપેડિક સર્જન ડો.અનિલ પટેલ યુવાઓને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી એક પછી એક સિધ્ધિ હાંસલ કરી વૃધ્ધત્વને બદલે યુવાની તરફ દોટ મૂકી રહ્યા હોય તેવી પ્રતીતિ દોડવીરોને કરાવી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલ ભારતની કઠિનમાં કઠિન ગણાતી લદાખ મેરેથોનમાં પણ ડો.અનિલ પટેલે સમગ્ર દેશમાંથી એકમાત્ર 70 વર્ષની વયના સ્પર્ધક તરીકે ભાગ લઈ નિર્ધારિત સમય કરતા એક કલાક વહેલી આ મેરેથોન દોડ પૂર્ણ કરતા આર્મી જવાનોએ પણ દાદા નહીં પણ આ યુવા તબીબની હિંમતને બિરદાવી હતી.

ગત તા.11ના રોજ લદાખ ખાતે 18 વર્ષથી ઉપરના સ્પર્ધકો માટે 11,115 ફૂટની ઉંચાઈ ઉપર 10, 21 અને 41 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. આ મેરેથોન દોડ ઉંચાઈ ઉપર અને ઓક્સિજનની કમી વચ્ચે યોજાતી હોય સ્પર્ધકો માટે નિર્ધારિત સમયમાં દોડ પૂર્ણ કરવી મુશ્કેલ બને છે ત્યારે મોરબીના ડો.અનિલ પટેલ 70 વર્ષની વયે આ કઠિન ગણાતી મેરેથોનમાં 41 કિલોમીટરની દોડમાં ભાગ લીધો હતો જેમાં 6.45 કલાકમાં આ દોડ પુરી કરવાના સમય કરતા એક કલાક વહેલા એટલે કે માત્ર 5.45 કલાકમાં ડો.અનિલ પટેલે મેરેથોન પૂર્ણ કરતા આયોજકોએ તેમને બિરદાવ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે, ડો. અનિલ પટેલ ગુજરાત સહીત સમગ્ર દેશમાં જ્યાં પણ મેરેથોન દોડ યોજાઈ ત્યાં હોંશભેર ભાગ લેવા પહોંચી જાય છે અને અત્યાર સુધીમાં માઉન્ટ આબુ, જેસલમેરના રણ સહિતની 36 મેરેથોન દોડમાં ભાગ લઈ ચુક્યા છે અને તેમની ઉંમરની કેટેગરીમાં મોટાભાગની સ્પર્ધામાં એકથી ત્રણ ક્રમાંકમાં વિજેતા બની ચુક્યા છે. જો કે લદાખ મેરેથોનમાં તેમને કોઈ ખિતાબ મળ્યો નથી પરંતુ આટલી ઉંમરે 41 કિલોમીટરની મેરેથોન એક કલાક વહેલા પૂર્ણ કરી અન્ય સ્પર્ધકોના દિલ જીતી લીધા હતા.

- text