20 સપ્ટેમ્બર બાદ સિરામીક ઉદ્યોગ ફરી ધમધમશે

10 સપ્ટેમ્બરે એક મહિનાનું શટડાઉન પૂર્ણ થવા છતાં હજુ માંડ 150થી 200 ફેકટરીઓ શરુ થઇ : ગેસ વપરાશમાં પાંચ લાખ ક્યુબિક મીટરનો વધારો 

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટો મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીની ચપેટમાં આવી જતા 10મી ઓગસ્ટથી એક મહિનાનો શટડાઉન જાહેર કર્યા બાદ 10 સપ્ટેમ્બરે એક મહિનો પૂર્ણ થવા છતાં હજુ ફૂલ ફલેન્જમાં સિરામીક ઉદ્યોગ પુનઃ ધમધમતો થયો નથી. એક સમયે દૈનિક 45 લાખ ક્યુબિક મીટર નેચરલ ગેસનો ઉપયોગ કરતા સિરામીક ઉદ્યોગમાં આજના દિવસે 12 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ શરૂ થયો છે તે જોતા 150થી 200 એકમો શરૂ થયા હોવાનું સિરામીક એસોશિએશનના પ્રમુખે સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

ગેસના ભાવમાં સતત ભાવવધારા ઉપરાંત રો-મટિરિયલના ભાવ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગે ઇતિહાસમાં પ્રથમ કહી શકાય તે રીતે એક મહિનાનું સ્વૈચ્છીક શટડાઉન જાહેર કરી 10 ઓગસ્ટથી એક મહિના માટે વોલ, ફ્લોર, વીટ્રીફાઇડ, જીવીટી-પીજીવીટી અને સેનેટરીવેર સહિતની અંદાજે 750થી 800 જેટલા એકમોએ ઉત્પાદન બંધ કરી દેતા મોરબીમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ્પ થઇ જવા પામ્યું હતું. જો કે, 10 સપ્ટેમ્બરે એક મહિનાનું શટડાઉન પૂર્ણ થવા છતાં પણ હજુ મોરબીના 100 ટકા સીરામીક એકમો શરૂ થઇ શક્યા નથી.

બીજી તરફ મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, એક મહિનાનું શટડાઉન પૂર્ણ થયું છે અને ધીમે-ધીમે સીરામીક એકમો ફરી શરૂ થઈ રહ્યા છે. જો કે હજુ પણ 100 ટકા સીરામીક એકમો શરૂ થતા પાંચથી સાત દિવસનો સમયગાળો લાગે તેમ હોવાનું જણાવી હાલમાં 750 જેટલા સિરામીક એકમો પૈકી 150થી 150 એકમો શરૂ થયા હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આર્થિક મંદીમાં હાલમાં સિરામીક ઉદ્યોગ ગેસના ભાવવધારા અને રો-મટિરિયલના ભાવમાં વધારો સહન કરવા છતાં ડોમેસ્ટિક અને એક્સપોર્ટમાં ડિમાન્ડના અભાવે પોતાની પ્રોડકટમાં ભાવ વધારો કરી શકે તેમ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, એક વર્ષ પૂર્વે મોરબીમાં સીરામીક એકમો દ્વારા દૈનિક 70 હજાર ક્યુબિક મીટર ગેસનો વપરાશ હતો જેની સામે શટડાઉન દરમિયાન નેચરલ ગેસનો વપરાશ ઘટીને 5 લાખ ક્યુબિક મીટર દૈનિક થયો હતો જે શટડાઉન ખુલતા વધીને આજના દિવસે 12 લાખ ક્યુબિક મીટર સુધી જ પહોંચતા મોરબીમાં 25 ટકા જેટલા જ સિરામીક એકમો શરુ થયા હોવાની ગવાહી પુરી પાડી રહ્યો છે.