મોરબી પાલિકા ચાર સ્થળે ગણપતિની મૂર્તિઓ એકત્ર કરી સામુહિક વિસર્જન કરાશે

- text


લોકો દ્વારા જાતે વિસર્જનમાં અમંગળ ઘટના બનતી હોવાથી સલામતી માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરાઈ

મોરબી : મોંઘેરા મહેમાન ભગવાન શ્રી ગણેશજીની નવ-દસ દિવસ ભક્તિભાવથી પૂજા અર્ચના અને આરાધના કર્યા બાદ હવે વિઘ્નહર્તાની વિદાયની ઘડી આવી પહોંચી છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન અનઇચ્છનીય ઘટના નિવારવા માટે મોરબી નગરપાલિકા દ્વારા જ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાલિકા દ્વારા જ ચાર સ્થળેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરી સામુહિક વિસર્જન કરાશે. આથી નિયત કરેલા ચાર સ્થળે ગણેશજીની મૂર્તિઓ સોંપી દેવા લોકોને તાકીદ કરાઈ છે.

મોરબીમાં બે વર્ષ બાદ ગણપતિ મહોત્સવ લોકલ અગાઉની જેમ ધર્મોલ્લાલ્સ ભેર ઉજવી રહ્યા છે. 100 મોટા અયોજનો ઉપરાંત શેરી-ગલીમાં નાના પંડાલો નાખી તેમજ મોટાભાગના ઘરોમાં દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો પણ સવાર સાંજ નિયમિત આરતી, પૂજા અર્ચના અને અન્નકૂટ ઘરીને વિધ્નહર્તાની ભક્તિમાં તલ્લીન બની ગયા છે. ત્યારે હવે ગણપતિ બાપાની વિદાયની ઘડી આવી પહોંચી છે. જો કે લોકો દ્વારા જાતે જ ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાની કરુણ ઘટના બનતી હોય વિધ્નહર્તાના કાર્યમાં આવું વિઘ્ન નિવારવા માટે 9 સપ્ટેમ્બરના રોજ શુકવારે ખુદ મોરબી નગરપાલિકા દ્વારા જ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં ચાર નિયત સ્થળો શનાળા રોડ પરના સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે અને ગણેશજીની મૂર્તિઓને એકત્ર કરીને આર.ટી.ઓ. કચેરી પાછળ ખાડીમાં ગણપતિ દાદાની મૂર્તિઓનું સામુહિક રીતે વિસર્જન કરવામાં આવનાર છે. આ વિસર્જન દરમિયાન એક બોટ, 10 કુશળ તરવૈયાની ટીમ, પાંચ અલગ માણસો તેમજ નગરપાલિકાનો 50 થી વધુનો સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. વિસર્જન સ્થળે કોઈપણ વ્યક્તિ ન જઈ શકે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. નગરપાલિકાના સ્ટાફ અને કુશળ તરવૈયા સાથે જેસીબીની મદદથી રાત્રી સુધી તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જનની તમામ વ્યવસ્થા અને સુરક્ષા બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

- text